રાજકોટમાં બિલ્ડર્સ એસોસિએશને મૌન કી બાત નામથી મૌન રેલી યોજી
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંત્રીના સૂધારેલા સૂચિત દરોનો જો અમલ થશે તો કોઈપણ મધ્યમ વર્ગિય પરિવાર ઘરનું ઘર ખરીદી શકશે નહીં. કારણ કે સરકારે ૨૦૦ થી ૨૦૦૦ ટકા સુધી વધારો સૂચવ્યો છે. જેની સામે બિલ્ડરો જ નહીં સામાન્ય જનતાએ વાંધો ઉઠાવ્યો છે. આ વધારા સામે રાજકોટ બિલ્ડર્સ એસોસિએશને મૌન રેલી યોજી હતી. જેમા મોટી સંખ્યામાં બિલ્ડર્સ, કોન્ટ્રાક્ટર્સ, શ્રમિકો, ડેવલપર્સ સહિતના જોડાયા હતા.
રાજ્યમાં જંત્રીના સુધારેલા સૂચિત દરો સામે રાજ્યભરની બિલ્ડર લોબીમાં વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં બિલ્ડર એસોસિએશન દ્વારા મૌન કી બાત નામથી મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું.. સરકારે જંત્રીમાં ૨૦૦ થી ૨૦૦૦ ટકા સુધીનો વધારો સૂચવ્યો છે.આ વધારાને બિલ્ડર લોબી અસહ્ય ગણાવી રહ્યા છે. જેને લઈને મૌન રેલી કાઢીને બિલ્ડર એસોસિએશન કલેક્ટરને આવેદન પત્ર આપી વિરોધ દર્શાવ્યો હતો. આ ‘મૌન કી બાત’ નામથી આયોજિત મૌન રેલીમાં બિલ્ડર્સ સહિત કોન્ટ્રાક્ટર્સ, મજૂરો, બિલ્ડીંગ મટિરિયલ્સ વેપારી સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. બિલ્ડર એસોસિએશનના સભ્યોએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી આ અંગે સત્વરે કોઈ પગલા લેવામાં આવે તેવી માંગ કરી હતી. ત્યારે જિલ્લા કલેક્ટરનું કહેવું છે કે અત્યાર સુધીમાં ૧૫૦ થી વધુ વાંધા અરજી મળી ચૂકી છે. વાંધા સૂચનો તપાસવા એક કમિટીની રચના કરવામાં આવી છે. જે હાલ આ અંગે ઉંડાણ પૂર્વક તપાસ કરી રહી છે. એટલું જ નહીં ઓનલાઈનની સાથે હવે ઓફલાઈન અરજી પણ સ્વીકારવામાં આવી રહી છે.
૧૫મી એપ્રિલથી ૨૦૨૩થી જંત્રીના દરો અમલી બનાવ્યા છે તેમા જ બમણો વધારો કરાયો છે. ત્યારે સુધારેલા દરોથી હાલત વધારે કફોડી બની જશે. સરકારના હાલ સુધારેલા સૂચિત દરોથી રિયલ એસ્ટેટ સેક્ટરને બ્રેક લાગી જશે. મકાનોની કિંમતમાં તોતિંગ વધારો થશે. એકસાથે જંત્રીમાં આટલો વધારો કોઈ રીતે સ્વીકાર્ય ન હોઈ શકે.આ વધારાથી રાજ્યભરના ૧૦ ટકા ડેવલપર્સ પ્રભાવિત થશે. ૯૦ ખેડૂતો પણ હાલાકીમાં મુકાઈ શકે છે. મકાનોની કિંમતોમાં ૩૦ થી ૪૦ ટકા મોંઘા થઈ શકે છે. રાજકોટમાં સર્જાયેલા ગોજારા અગ્નિકાંડ બાદ શહેરના રિયલ એસ્ટેટ માર્કેટને જાણે ગ્રહણ લાગી ગયુ હોય તેવો ઘાટ તો પહેલેથી જ જોવા મળી રહ્યો છે. તેમાં જંત્રીના સૂચિત ભાવ વધારાને પગલે “પડ્યા પર પાટું” જેવી સ્થિતિ છે. એક તરફ પ્લાન પાસ કરાવવાને લઈને બિલ્ડરો હેરાન પરેશાન પહેલેથી જ હતા. તેની સાથે હવે સૂચિત જંત્રીના ભાવમાં ૨૦૦ થી ૨૦૦૦ ટકાનો વધારો કરાયો છે. જેને લઈને પણ બિલ્ડર્સમાં ભારે નારાજગી છે.