Last Updated on by Sampurna Samachar
સમગ્ર મામલે હાલ સર્વે કરવામાં આવ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
જામનગર મહાનગરપાલિકા દ્વારા નવા રોડ રસ્તાઓ બનાવવામાં આવી રહ્યા છે અને જામનગરના સાત રસ્તા પૈકીનો સાતમો રસ્તો, કે જે ઘણા સમયથી બંધ હતો, તેને પુનઃ શરૂ કરવા માટેની તંત્ર દ્વારા કવાયત કરવામાં આવી રહી છે.
જામનગરના લાખોટા તળાવની પાળ RTO કચેરી વાળા માર્ગેથી છેક સાત રસ્તા સર્કલ સુધીનો ૧૮ મીટરનો પહોળો રસ્તો બનાવવા માટેની તંત્ર દ્વારા કવાયત શરૂ કરી દેવામાં આવી છે અને તેનું સર્વે હાથ ધરવામાં આવ્યું છે. જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદી તેમજ જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ જાતે હાજર રહ્યા હતા, અને તેઓની આગેવાનીમાં એસ્ટેટ શાખાની ટીમ, પોલીસ વિભાગની ટુકડી સહિત અલગ અલગ ટીમ દ્વારા તળાવની પાળ થી સાત રસ્તા સુધીના માર્ગ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
હાલ ઉપરોક્ત રસ્તો કાઢવા માટે જૂના સીટી એ. ડિવિઝન વાળું બિલ્ડીંગ, ઉપરાંત ગ્રામીણ બેંક, ક્ષાર નિવારણની કચેરી, એલસીબીની કચેરી, એસઓજી શાખાની કચેરી, આરટીઓ કચેરીનો અમુક હિસ્સો વગેરે માર્ગની વચ્ચે આવતા હોવાથી તેને ખુલ્લો કરવા માટે અથવા તો જગ્યા ખુલી કરવા માટેનું હાલ સર્વે હાથ ધરવામાં આવી રહ્યું છે. ઉપરાંત આ માર્ગે એક ધાર્મિક સ્થળ પણ આવેલું હોવાથી તેને પણ ખસેડવાની કામગીરી હાથ ધરાય તેમ મનાઈ રહ્યું છે.
જે સમગ્ર મામલે હાલ સર્વે કરવામાં આવી રહ્યું છે, અને નજીકના ભવિષ્યમાં માર્ગ તૈયાર કરીને પ્રજાજનો માટે ખુલ્લો મુકાશે. જૂની આરટીઓ કચેરી પાસે હાથથી ચાલતી અથવા તો બેટરી અને ઈલેક્ટ્રીક થી ચાલતી અન્ય બાળકોની રાઇડ ફરીથી શરૂ થઈ ગઈ હોવાથી જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા તાત્કાલિક અસરથી તમામ રાઈડ બંધ કરીને ત્યાંથી ઉપડાવી લીધી છે, અને સંપૂર્ણ રસ્તો ખુલ્લો કરાવી દેવાયો છે.