કાર્યક્રમમાં તમામ પોલીસ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત
(સંપૂર્ણ સમાચાર સેવા)
જામનગરના પોલીસ વિભાગ દ્વારા HDFC બેન્કના સહયોગથી ગો-ગ્રીન એક્ટિવિટી ફેબ્રુઆરી -૨૦૨૫ અંતર્ગત ઓક્સિજન પાર્કનું જામનગરના પોલીસ હેડ ક્વાર્ટર પાછળના વિસ્તારમાં આવેલા વિશાળ ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું છે. અને તેના ભાગરૂપે ૨૫૦૦૦ જેટલા અલગ અલગ વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. જેનો પ્રારંભ થઇ ચૂક્યો છે. રાજકોટ રેંજના આઈજીપી અશોકકુમાર યાદવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.
જામનગરના એસ.પી. પ્રેમસુખ ડેલુ દ્વારા સૌ પ્રથમ રાજકોટ રેન્જના આઈજીપી અશોકકુમાર યાદવ ને ગાર્ડ ઓફ ઑનર અપાયા બાદ સ્વાગત કર્યું હતું. આ વેળાએ જામનગરના એસ.પી.ની સાથે પોલીસ બેડામાં ફરજ બજાવતા પોલીસ હેડ ક્વાર્ટરના ડીવાયએસપી વિ.કે. પંડ્યા જામનગર શહેર વિભાગના ડીવાયએસપી જે. એન. ઝાલા, જામનગર ગ્રામ્ય વિભાગના ડીવાયએસપી આર.બી. દેવધા આ ઉપરાંત જામનગર શહેર જિલ્લામાં ફરજ બજાવતા અન્ય તમામ પોલીસ અધિકારીઓ, એલસીબી, એસઓજી શાખાની ટુકડી વગેરે જોડાયા હતા.
એચડીએફસી બેન્કના સહયોગથી સમગ્ર ઓક્સિજન પાર્કનું નિર્માણ થઈ રહ્યું છેઝ અને આજે સૌ પ્રથમ રાજકોટ રેન્જ ના આઈજીપી અશોકકુમાર યાદવ ના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, આ વેળાએ એચડીએફસી બેન્કના અધિકારી નીરજ દત્તાણી તથા અન્ય બેંકના અધિકારીઓ અને સ્ટાફ વગેરે હાજર રહ્યા હતા અને વૃક્ષારોપણ કરાયું હતું.
આશરે ૨૫૦૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે, જેમાં તમામ પ્રકારના ફૂલ ઝાડ ફળ ફ્રૂટના વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે, અને રાજકોટના સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તેની ત્રણ વર્ષ સુધી માવજત કરવામાં આવશે. જામનગર શહેરમાં પર્યાવરણની જાળવણીના ભાગરૂપે પોલીસ તંત્ર દ્વારા HDFC બેન્કના સહયોગથી આ એક મોટું ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે.