Last Updated on by Sampurna Samachar
આરોપી ફરાર થતાં શોધખોળ હાથ ધરાઇ
(સંપૂર્ણ સમાચાર સેવા)
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટુકડીએ ચોક્કસ બાતમીના આધારે સિદ્ધાર્થ નગરમાં એક બંધ રહેણાંક મકાન પર દરોડો પાડયો હતો, અને મકાનમાંથી રૂપિયા દોઢ લાખની કિંમત નો ૨૨૮ નંગ ઈંગ્લીશ દારૂની બોટલનો જથ્થો કબજે કર્યો છે, જ્યારે દારૂના ધંધાર્થીને ફરારી જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે.
આ દરોડાની વિગત એવી છે કે જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, હરિયા કોલેજ રોડ ઉપર સિદ્ધાર્થ નગર વિસ્તારમાં રહેતા ધર્મેન્દ્ર રસિકભાઈ ગોહિલ નામના એક શખ્સ દ્વારા પોતાના ઘરમાં બહારથી ઇંગ્લિશ દારૂની બાટલીનો મોટો જથ્થો ઉતારવામાં આવ્યો છે અને તેનું ખાનગીમાં વેચાણ કરી રહ્યા છે.
જે બાતમીના આધારે એલસીબીની ટુકડીએ દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન ઉપરોક્ત મકાન બંધ હોવાથી એલસીબીની ટુકડીએ તે બંધ મકાનને ખોલાવીને અંદર ચકાસણી કરતાં મકાનમાંથી ૨૨૮ નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે રૂપિયા ૧ લાખ ૪૭ હજારની કિંમતનો ઇંગ્લિશ દારૂની બોટલનો જથ્થો કબ્જે કરી લીધો છે, જ્યારે મકાન માલિક ધર્મેન્દ્ર ગોહિલ નાસી છૂટ્યો હોવાથી તેને ફરાર જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે.