Last Updated on by Sampurna Samachar
૪.૨૨ લાખના મુદ્દામાલ સાથે કાલાવડ પંથકમાંથી ઝડપાયા
એક આરોપી સામે ૩૯ ગુના નોંધાયેલા
(સંપૂર્ણ સમાચાર સેવા)
જામનગર LCB એ કાલાવડ પંથકમાંથી ધાડપાડુ લૂંટારુ ટોળકીને દબોચી લીધી છે, આ ટોળકી પાસેથી કેબલ, વાહનો, હથિયારો, મોબાઇલ મળી ૪.૨૨ લાખનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. ઝડપાયેલી આ લૂંટારુ ટોળકી કાલાવડના અરલા ગામની ગોળાઈ પાસે હતી અને કોઈ ગુનાને અંજામ આપે એ પહેલા જ બાતમીના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચે ત્રાટકી અને દબોચી લીધી હતી, પકડાયેલા ૫ શખ્સો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જે પૈકી એક આરોપી સામે ૩૯ ગુના નોંધાયેલા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગર જિલ્લામાં વણઉકેલાય ગુનાને શોધી કાઢવા પોલીસની તપાસ ચાલી રહી હતી, દરમિયાન એલ.સી.બી.ની ટીમને બાતમી મળી હતી કે, કાલાવડ તાલુકાના મછલીવાડ ગામથી અરલા ગામ તરફ જવાના રોડ ઉપર લૂંટારુ ટોળકીના માણસો જીવલેણ ઘાતક હથિયારો ધારણ કરી, રોડ ઉપર પસાર થનાર માણસોને લૂંટી લેવા માટે તૈયારી કરવા એકઠા થયા છે. આ બાતમી આધારે પાંચ ઇસમોને જીવલેણ ઘાતક હથિયાર તથા ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડી ફરિયાદ નોંધાવી છે.
આ ચોરીમાં સાથે રહેશો તો ભાગ મળશે
LCB એ ઝડપી પાડેલા આરોપીઓમાં નવાઝ જુમાભાઈ દેથા સંધી ઉં.વ.૩૧ ધંધો મજૂરી રહે. પીરલાખાસર તા.ખંભાળીયા જી.દેવભૂમિ દ્વારકા; અજય કારુભાઈ સોલંકી દેવીપૂજક ઉં.વ.૨૯ ધંધો મજૂરી રહે. ઘંટેશ્વર પાસે, રાજકોટ મૂળ-અમરેલી; અલ્તાફ ઉર્ફે ભાયો ઇકબાલભાઈ બેલીમ ઉં.વ.૨૮ રહે. પરાપીપળીયા રાજકોટ; મિતભાઈ ઉર્ફે ગાંડો દિલીપભાઈ વાઘેલા ઉં.વ.૩૦ ધંધો રીક્ષા ડ્રાઇવીંગ રહે. રૈયાધાર રાજકોટ મૂળ-ભાણવડ જી.દેવભૂમિ દ્વારકા તથા વસીમભાઈ ઉર્ફે અંજુમ અબ્દુલભાઈ મુસાણી ઉં.વ.૨૫ રહે. પરાપીપળીયા, રાજકોટ મૂળ-સાવરકુંડલા જી.અમરેલીનો જે લીધેલા મુદ્દામાલમાં કોપર કેબલ વાયર- ૨૨૦ મીટર, એક ઇકો ગાડી, એફઝેડ મો.સા/એક્ટિવા/સ્પ્લેન્ડર (૩ ટુવ્હિલર), ૪ મોબાઇલ, ૧ ગ્રાઇન્ડર મશીન, ઘાતક હથિયાર, કોયતો, છરી, ધારીયું, ધોકો, પાઇપ મળી ટોટલ રિકવર મુદ્દામાલની કિંમત રૂ. ૪,૨૨,૯૮૦નો સમાવેશ થાય છે.
તપાસ દરમિયાન શોધી કાઢેલ ગુનાઓમાં કાલાવડ ગ્રામ્ય ૨ સિક્કાના અને વધુ એક કાલાવડ ગ્રામ્યનો ગુનો ડિટેક્ટ થયો છે. વધુમાં મુખ્ય આરોપી નવાઝ દેથા સંધી અગાઉ જામનગર, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પવનચક્કીના કેબલ વાયર ચોરીના ગુનામાં પકડાયેલ હોવાની માહિતી સામે આવી છે, જેથી પવનચક્કીના અર્થિંગ કેબલ વાયર કઈ રીતે કાપી શકાય, તેનાથી સંપૂર્ણ વાકેફ હતો,
જ્યારે આરોપી નવાઝ દેથા સંધી અગાઉ રાજકોટ પરાપીપળીયા ગામે રહેતો હતો, ત્યારે તેની રાજકોટ ઘંટેશ્વર નજીક ચાની હોટલ પાસે ઉઠક બેઠક હતી, જેથી અન્ય આરોપીઓ ચાની હોટલે આવતા એકાબીજા અવારનવાર મળતા હતા અને જેથી નવાઝ દેથા સંધીએ આરોપીઓને સાથે મળીને કાલાવડ તાલુકામાં પવનચક્કીના અર્થિંગના કેબલ વાયર ચોરીનો આખો પ્લાન બનાવ્યો હતો.
નવાઝ દેથા સંધીએ આરોપીઓને કહ્યું હતું કે, આ ચોરીમાં સાથે રહેશો તો ભાગ મળશે, તેમ કહેતા તમામ આરોપીઓ ચોરી કરવા જવામાં સહમત થયા હતા. આ પાંચેય ઇસમો તેમના હસ્તકની ઇકો ગાડી, એફઝેડ, એક્ટિવા, તથા સ્પ્લેન્ડર મો.સા લઈ મોડી રાત્રીના કાલાવડ તાલુકામાં આવેલ પવનચક્કીએ પહોંચ્યા હતા,
જ્યાં આરોપી નવાઝ દેથા સંધી પવનચક્કીના થાંભલા ઉપર દોરડાની મદદથી ચઢ્યો હતો અને આર્ચિંગના કોપરના કેબલ વાયર ગ્રાઇન્ડર મશીનથી કાપીને નીચે ફેંક્યા બાદ અન્ય આરોપીઓ આ વાયર ભેગો કરીને ત્યાંથી વાહનમાં ભરી અવાવરુ જગ્યાએ લઈ જઈ આ કેબલમાંથી કોપર વાયર અલગ કરી, ત્યાં છુપાવી એકઠો કરતા હતા. વધુમાં લૂંટારુ ગેંગના પકડાયેલા આરોપી નવાઝ જુમા સામે લાલપુરમાં ૧૨, ખંભાળીયામાં ૧૯, મેઘપર, દ્વારકા, જામજાેધપુર, મળી કુલ ૩૯ ગુનામાં સંડોવાયેલ છે
તથા અલ્તાફ બેલીમ વિરુદ્ધ ગાંધીગ્રામમાં ૭, વસીમ વિરુદ્ધ ગાંધીગ્રામમાં ૩, મિત વિરુદ્ધ ગાંધીગ્રામમાં ૨, અજય વિરુદ્ધ ગાંધીગ્રામમાં ૧ ગુનો નોંધાયો છે. આમ ટોળકીના સાગરીતોએ અગાઉ રાજકોટ તથા જામનગર, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખૂન, ખૂનની કોશિષ, લૂંટ, ઘરફોડ ચોરી, વાહન ચોરી, કેબલ ચોરી, મારામારી, દારૂ, જુગારના ગુનાઓ નોંધાયેલ છે. તેવી માહિતી જામનગર શહેર Dysp જયવીરસિંહ ઝાલાએ આપી છે.