Last Updated on by Sampurna Samachar
ઘટનામાં અનેક સૈનિક ઈજાગ્રસ્ત થયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં મોટી દુર્ઘટના ઘટી હતી . જેમાં અધિકારીઓના જણાવ્યા અનુસાર મેંઢર વિસ્તારમાં સેનાનું એક વાહન બેકાબૂ થઈને ખીણમાં ખાબક્યું. જણાવાય રહ્યું છે કે, આ ઘટનામાં અનેક સૈનિક ઈજાગ્રસ્ત થયા છે. માહિતી મળતા જ સેનાના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોચી રેસ્ક્યૂ ઓપરેશન કરીને ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર આ ગાડીમાં ૮ જવાન સવાર હતા. નીલમ હેડક્વાર્ટરથી લબનોઈ ઘોરા પોસ્ટ તરફ જઈ રહેલી ૧૧ MLI ની સૈન્ય ગાડી ઘોરા પોસ્ટ પર પહોંચતા જ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ. ગાડી અંદાજિત ૩૦૦-૩૫૦ ફૂટ ઊંડી ખીણમાં ખાબકી. માહિતી મળતા જ ૧૧ MLI ની ટીમ ઘટના સ્થળે પહોંચી અને રેસ્ક્યૂ શરૂ કર્યું.
આ અગાઉ આ વર્ષે મે મહિનામાં જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સેનાનું વાહન ખીણમાં ખાબક્યું હતું. જેમાં એક જવાન શહીદ થયા હતા, ત્યારે ૯ જવાનો ઘાયલ થયા હતા. આ અકસ્માત દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના વેરીનાગ વિસ્તારમાં સર્જાયો હતો. બટાગુંડ વેરિનાગ વિસ્તારમાં ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા સેનાનું વાહન સીધું ખીણમાં ખાબક્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ઓગસ્ટમાં લદાખમાં લેહના ક્યારી ગામ પાસે સેનાનું એક ટ્રક ખીણમાં ખાબક્યું હતું. આ ઘટનામાં ૨ જુનિયર કમિશન ઓફિસર અને ૭ જવાનો શહિદ થયા હતા. સેનાના ટ્રકની સાથે એક એમ્બ્યુલન્સ અને USV પણ હતી. આ તમામ વાહનોમાં કુલ ૩૪ સેનાના જવાનો હતા. જવાનો કારુ ગૈરીસનથી લેહ પાસે ક્યારી તરફ જઈ રહ્યા હતા.