Last Updated on by Sampurna Samachar
આતંકીઓએ ભારતીય વિસ્તારમાં ઘુસવાનો કર્યો હતો પ્રયત્ન
(સંપૂર્ણ સમાચાર સેવા)
જમ્મુ-કાશ્મીરના પૂંછમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે.જેમાં અથડામણમાં સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આતંકવાદીઓનું એક જૂથ LOC પાર કરીને ભારતીય વિસ્તારમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ સુરક્ષા દળોએ સરહદ પારથી આ ઘૂસણખોરીને નિષ્ફળ બનાવી અને ત્રણેય આતંકવાદીઓને ઠાર કર્યા હતા.

પૂંચમાં LOC પર ખડમાલ વિસ્તારમાં તૈનાત સેનાના જવાનોએ થોડી હિલચાલ જોઈ. ઘૂસણખોરીની સંભાવનાને જોતા, સૈનિકોએ નજીકની સુરક્ષા ચોકીઓને એલર્ટ કરી અને આતંકવાદીઓને જોતાની સાથે જ તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, સુરક્ષા દળોએ આ અથડામણમાં અત્યાર સુધીમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા અને વિસ્તારમાં હજુ પણ મોટા પાયે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
આ પહેલા ૨૪ જાન્યુઆરીની રાત્રે કઠુઆમાં ગોળીબાર થયો હતો. કેટલાક આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા બાદ મધરાતે મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જ્યાં સૈનિકોને રાત્રે લગભગ શંકાસ્પદ આતંકવાદીઓની ગતિવિધિઓનો અહેસાસ થયો હતો.
આ પછી સેનાએ ફાયરિંગ શરૂ કરી દીધું હતી. લગભગ અડધા કલાક સુધી બંને તરફથી ગોળીબાર થયો હતો. જોકે આ ફાયરિંગમાં કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી મળી નથી. અધિકારીઓએ જણાવ્યું કે ત્રણ આતંકવાદીઓ હતા, જેઓ કાર્યવાહી બાદ નજીકના જંગલ તરફ ભાગી ગયા હતા.
તાજેતરમાં જ જમ્મુ-કાશ્મીરમાં પોલીસ અને સેનાએ સંયુક્ત રીતે સક્રિય આતંકવાદીઓ અને તેમના પરિવારોના લગભગ ૨૫ ઠેકાણાઓ પર દરોડા પાડ્યા છે.
આ દરમિયાન ટીમે ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો અને વાંધાજનક સામગ્રી પણ જપ્ત કરી હતી. કોર્ટમાંથી મળેલા વોરંટના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. રાજૌરી, નૌશેરા, થાણા મંડી, ધાર હાલ, કોત્રંકા, બુધલ, માંજાકોટ અને છિંગાસ સહિત વિવિધ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.