Last Updated on by Sampurna Samachar
પાકિસ્તાની ઘૂસણખોરોએ ઘાત લગાવીને હુમલો કરવાનો કર્યો હતો પ્રયાસ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઈન્ડિયન આર્મીએ જમ્મુ અને કાશ્મીરમાં લાઈન ઓફ કંટ્રોલ પર ઘૂસણખોરી કરવાની કોશિશ કરતા ૭ પાકિસ્તાનીઓને ઠાર કર્યા છે. આ ઘૂસણખોરોમાં પાકિસ્તાનના કુખ્યાત બોર્ડર એક્શન ટીમના આતંકીઓ પણ સામેલ છે.
મીડિયા રિપોર્ટ્સમાં સૂત્રોના જણાવ્યાં મુજબ ભારતીય સેનાએ ૪-૫ ફેબ્રુઆરીની રાતે નિયંત્રણ રેખા પર પોતાની ચોકી પર પાકિસ્તાની ઘૂસણખોરો દ્વારા ઘાત લગાવીને કરાયેલા હુમલાને નિષ્ફળ કર્યો હતો. આ દરમિયાન ૭ પાકિસ્તાની ઘૂસણખોરો માર્યા ગયા. આ ઘૂસણખોરોમાં ૨ થી ૩ પાકિસ્તાની આર્મીના જવાન સામેલ હતા. આ ઘટના જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લાના કૃષ્ણા ઘાટી સેક્ટરમાં ઘટી હતી.
સૂત્રોના જણાવ્યાં મુજબ પાકિસ્તાની ઘૂસણખોરો કુખ્યાત બોર્ડર એક્શન ટીમની મદદથી ભારતના જવાનો પર ઘાત લગાવીને હુમલો કરવા માંગતા હતા. બોર્ડર એક્શન ટીમ છૂપાઈને હુમલો કરવા માટે ટ્રેઈન કરાયેલી છે. પાકિસ્તાનની આ એજન્સી પહેલા પણ બોર્ડર પર ઈન્ડિયન આર્મીના જવાનો પર હુમલો કરી ચૂકી છે. આ અનુભવનો ફાયદો ઉઠાવીને આ ટીમ એકવાર ફરીથી ભારતના જવાનોને ટાર્ગેટ કરવા માંગતી હતી.
સૂત્રોએ જણાવ્યું કે LOC પર પાકિસ્તાની ઘૂસણખોરોને જોતા જ ભારતીય જવાનોએ તેમનું ઢીમ ઢાળી દીધુ. માર્યા ગયેલા આતંકીઓમાં સંગઠન અલ બદલના આતંકીઓ પણ સામેલ હોવાનું કહેવાય છે. આ ઘટના એવા સમયે થઈ જ્યારે પાકિસ્તાન જમ્મુ અને કાશ્મીર અંગે પોતાનો પ્રોપગેન્ડાને હવા આપે છે અને ૫ ફેબ્રુઆરીના રોજ કથિત રીતે કાશ્મીર સોલિડરિટી ડે ઉજવવાનો ડોળ કરે છે.
અત્રે જણાવવાનું કે પાકિસ્તાનના કથિત કાશ્મીર સોલિડરિટી ડેના અવસરે જ ૫ ફેબ્રુઆરીએ લાહોરમાં આયોજિત એક રેલીમાં આતંકી હાફિઝ સઈદના પુત્ર તલ્હા સઈદે ભારત વિરુદ્ધ ભડકાઉ ભાષણ આપ્યું હતું. રેલીને કરેલા સંબોધનમાં તેણે કહ્યું કે તે કાશ્મીરને આઝાદ કરાવશે. તેણે મંચ પર ખુબ નાટકો કર્યા અને કાશ્મીર માટે મોટી મોટી સોગંધો ખાધી.