તબીબોની બેદરકારીને લીધે ગર્ભવતી મહિલાનું મોત થયુ
(સંપૂર્ણ સમાચાર સેવા)
જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં સરકારી મેડિકલ કોલેજના પાંચ ડૉક્ટરોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે, આ ર્નિણય ગર્ભવતી મહિલાના મોત બાદ લેવામાં આવ્યો છે. મોતની ઘટના બાદ હોસ્પિટલની બેદરકારી પર સવાલો ઉઠ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કોટરંકા તહસીલના બદહાલની રહેવાસી રાઝિમ અખ્તરનું રાજૌરીના GMC માં મૃત્યુ થઈ ગયું હતું. તે સાડા પાંચ મહિનાની ગર્ભવતી હતી અને તે ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ હતી. અગાઉ તેની સારવાર કંડીની હોસ્પિટલમાં ચાલી રહી હતી, પરંતુ બાદમાં તેને રાજૌરીના GMC માં રિફર કરવામાં આવી હતી.
આ મામલે અધિકારીઓએ જણાવ્યું કે, પાંચ ડોકટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જ્યારે બે ડોકટરો અને પેરામેડિક્સ અને સપોર્ટ સ્ટાફ સહિત અન્ય આઠ સ્ટાફ સભ્યોને કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી છે. સસ્પેન્ડ કરાયેલા ડોકટરોમાં ડો. વિનુ ભારતી, ડો. નીતુ, ડૉ. શાકિર અહેમદ પારે, ડૉ. શફકતઉલ્લા અને ડૉ. અનીફ સલીમ રાથર સામેલ છે. મહિલાની સારવાર ચાલી રહી હતી ત્યારે આ તમામ ડૉક્ટરો ઈમરજન્સી વોર્ડમાં નાઈટ ડ્યુટી પર હતા. અન્ય આઠ સભ્યો ઉપરાંત બે ડૉક્ટરોને કારણ બતાઓ નોટિસ ફટકારવામાં આવી છે.
તેમણે જણાવ્યું કે, તેમને કથિત બેદરકારી અંગે GMC રાજૌરીના પ્રિન્સિપાલને સ્પષ્ટતા આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. મોતની ઘટના બાદ રાજકીય નેતાઓ દ્વારા હોસ્પિટલની ટીકા કરવામાં આવી છે. બુધલના ધારાસભ્ય જાવેદ ઈકબાલ ચૌધરીએ મહિલાના મોત પર ચિંતા વ્યક્ત કરી છે. બીજી તરફ રાજૌરીના ધારાસભ્ય કમર હુસૈને આ ઘટના બાદ પ્રેસ કોન્ફરન્સ કરી અને આ મામલે જવાબદારીની માંગ કરી છે.