યુવતીએ પોતાની વાડીમાં ઝેરી દવા પી લીધી
(સંપૂર્ણ સમાચાર સેવા)
જામનગર જિલ્લાના જામજોધપુરમાં વાડી વિસ્તારમાં રહેતી એક યુવતીને તેણીના પરિવારજનોએ પસંદગીના યુવક સાથે સગાઈ કરવાની ના પાડતાં મનમાં લાગી આવવાથી ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લીધી છે.
આ બનાવની વિગત એવી છે કે જામજોધપુર નજીક કળસીધાર વાડી વિસ્તારમાં ૧૮ વર્ષની યુવતીએ પોતાની વાડીમાં ઝેરી દવા પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેણીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા બાદ તેણીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું છે.
આ બનાવ અંગે મૃતકના પિતાએ પોલીસને જાણ કરતાં જામજોધપુર પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ પૂછપરછ દરમિયાન પોતાના પસંદગીના પાત્ર સાથે સગપણ કરવું હતું, પરંતુ પરિવારજનોએ ત્યાં સગાઈ કરવા માટેની ના પાડતાં તેણીને મનમાં લાગી આવ્યું હતું, અને ઝેર પી લઇ મોતની સોડ તાણી હતી. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.