Last Updated on by Sampurna Samachar
૫૧૩ વીજ જોડાણની તપાસમાં ૯૦ વીજ જોડાણમાં ગેરરીતિ જોવા મળી
(સંપૂર્ણ સમાચાર સેવા)
જામનગર શહેર તેમજ કલ્યાણપુર પંથકમાં વીજ તંત્ર દ્વારા પુનઃવીજ ચેકિંગની કામગીરી શરૂ કર્યા બાદ ચેકિંગ અવિરત ચાલુ રાખવામાં આવી હતી, અને જોડિયાના ગ્રામ્ય વિસ્તાર તેમજ ખંભાળિયા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ચેકિંગ હાથ ધરી વધુ ૩૯.૭૦ લાખની વીજ ચોરી પકડી પાડવામાં આવી છે.
જામનગર PGVCL વર્તુળ કચેરીની ચેકિંગ ડ્રાઇવ દ્વારા જામનગર શહેર અને જામનગર તાલુકાના મોટા થાવરીયા, નાના થાવરીયા, જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથકમાંથી ૪૪.૬૦ લાખની વીજ ચોરી પકડી પાડી હતી, જે કામગીરી સતત બીજા દિવસે પણ અવિરત ચાલુ રાખવામાં આવી હતી.
જામનગર જિલ્લાના જોડીયાના ગ્રામ્ય વિસ્તારો તેમજ ખંભાળિયા તાલુકાના વડતરા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું અને કુલ ૪૩ જેટલી વીજ ચેકિંગ ટુકડીને મેદાનમાં ઉતારવામાં આવી હતી, જેની મદદ માટે એસઆરપીના ૧૦ જવાનો, ૨૯ પોલીસ કર્મચારી તથા ત્રણ વિડિયોગ્રાફરને જોડવામાં આવ્યા હતા.જેમાં કુલ ૫૧૩ વીજ જોડાણ તપાસવામાં આવ્યા હતા. જેમાંથી ૯૦ વીજ જોડાણમાં ગેરરીતિ જોવા મળતાં આવા આસામીઓને કુલ રુ.૩૯.૭૦ લાખનાં વીજ ચોરીના પુરવણી બિલ આપવામાં આવ્યા હતા.