મિડલ ઈસ્ટ યુદ્ધ અંગે જયશંકરનું સંસદમાં નિવેદન

Share this Article:

Last Updated on by Sampurna Samachar

ભારતીયોની સુરક્ષા માટે અમે કટિબદ્ધ છીએ, ઊર્જા ક્ષેત્ર પર સરકારની નજર

વિદેશ મંત્રી જયશંકરે આ યુદ્ધમાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં કહ્યું કે, અમે ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ

(સંપૂર્ણ સમાચાર સેવા)
બજેટ સત્રનો બીજો તબક્કો આજથી શરૂ થયો હતો. ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધ અંગે વિદેશ મંત્રી એસ. જયશંકર બંને ગૃહોમાં નિવેદન આપ્યું હતું. પ્રથમ દિવસની કાર્યવાહી માટે સત્તાધારી રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનની આગેવાની કરી રહેલી ભારતીય જનતા પાર્ટી અને વિપક્ષી ઇન્ડિયા બ્લોકની નેતા કોંગ્રેસ, બંને પક્ષોએ પોતાના સાંસદોને થ્રી-લાઇન વ્હિપ જાહેર કરી લોકસભામાં હાજર રહેવા જણાવ્યું છે.
વિદેશ મંત્રી એસ. જયશંકર ઈરાન યુદ્ધ પર રાજ્યસભામાં નિવેદન આપ્યું હતું. જયશંકરે ગૃહમાં માહિતી આપી હતી કે, “ભારત આ વિસ્તારમાં સાર્વભૌમત્વનું સમર્થક છે અને અમારું માનવું છે કે કોઈપણ સમસ્યાનો ઉકેલ વાતચીત દ્વારા શોધવો જોઈએ”. તેમણે કહ્યું કે, ગલ્ફ રિજનમાં એક કરોડ ભારતીયો રહે છે અને તેમની સુરક્ષા અંગની બેઠકમાં પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.

ભારતીય ગ્રાહકોની જરૂરિયાતો અમારી પ્રાથમિકતા

વિદેશ મંત્રીએ આ યુદ્ધમાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં કહ્યું કે, અમે ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ અને અમે સતત તેમના સંપર્કમાં છીએ. તેમણે વધુમાં જણાવ્યું કે અમે જાન્યુઆરીમાં જ અમારા નાગરિકોને ચેતવણી આપી હતી કે તેઓ જેટલી વહેલી તકે સ્વદેશ પરત ફરે. ઈઝરાયલ અને આસપાસના વિસ્તારોમાં રહેલા ભારતીયો માટે અમારા દૂતાવાસે એડવાઇઝરી પણ જાહેર કરી હતી.
 વિદેશ મંત્રીએ કહ્યું કે ભારત પોતાની ઊર્જા જરૂરિયાતો પ્રત્યે પણ સતર્ક છે, કારણ કે આ સંઘર્ષને કારણે સપ્લાય ચેઇન પ્રભાવિત થઈ છે. સરકાર ઊર્જા ક્ષેત્રની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. ભારતીય ગ્રાહકોની જરૂરિયાતો અમારી પ્રાથમિકતા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ઊર્જાના ભાવમાં થતા ફેરફાર પર અમે ચાંપતી નજર રાખી રહ્યા છીએ.
વડાપ્રધાન મોદીએ કતાર, કુવૈત, સાઉદી અરેબિયા, ઓમાન અને ઈઝરાયલના વડાપ્રધાનો સાથે વાતચીત કરી છે. હું પણ સતત આ દેશોના વિદેશ મંત્રીઓના સંપર્કમાં છું. અમે અમારા રાજદ્વારી માર્ગો દ્વારા પણ ચર્ચા કરી રહ્યા છીએ. આ ઉપરાંત ઈરાનના વિદેશ મંત્રી અરાગચી સાથે પણ વાત કરવામાં આવી છે. અમે સતત સ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છીએ.
તેહરાન, દુબઈ અને બહેરીનમાં સ્થિત અમારા રાજદ્વારીઓ ભારતીય લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. ભારતીયોને પરત લાવવા માટે અમે ઘણી કોમર્શિયલ ફ્લાઇટ્સનું સંચાલન કર્યું છે. અત્યાર સુધીમાં ૬૭ હજાર ભારતીયો પરત ફરી ચૂક્યા છે. ખાડી દેશોમાં ફસાયેલા અન્ય તમામ ભારતીયોને પાછા લાવવા માટે પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે.
મિડલ ઈસ્ટની ગંભીર સ્થિતિને જોતાં અમે ખાડી દેશોમાં રહેતા ભારતીય લોકો માટે અનેક એડવાઇઝરી જાહેર કરી હતી. ઈરાનમાં રહેતા તમામ લોકોને તાત્કાલિક ત્યાંથી નીકળી જવાની સલાહ આપવામાં આવી હતી. ઈરાનમાં ભારતીય દૂતાવાસ સંપૂર્ણપણે કાર્યરત છે અને અમે આ વિસ્તારોમાં રહેતા તમામ ભારતીય સમુદાયના લોકોને મદદ કરવા માટે તત્પર છીએ.
એક તરફ એસ. જયશંકર મિડલ ઈસ્ટના તણાવ અંગે સરકારનો પક્ષ રજૂ કરી રહ્યા હતા, તો બીજી તરફ વિપક્ષી સાંસદોનો હોબાળો ચાલુ રહ્યો હતો. તેઓ સરકાર વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા અને ગૃહની કાર્યવાહીમાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.