Last Updated on by Sampurna Samachar
UGC નિયમો વિરુદ્ધ અરજી અંગે સુપ્રીમ કોર્ટ સુનાવણી માટે તૈયાર
તમામ અરજીઓ પર એકસાથે કરાશે સુનાવણી
(સંપૂર્ણ સમાચાર સેવા)
UGC નિયમો વિરુદ્ધ અરજી અંગે સુપ્રીમ કોર્ટ સુનાવણી માટે તૈયાર છે. સુપ્રીમ કોર્ટમાં સમગ્ર મામલે અનેક અરજીઓ દાખલ થઇ હતી. આ અરજીને લિસ્ટ કરવા માટે સીજેઆઇ સૂર્યકાંતે તૈયારી દર્શાવી છે. જોકે સુનાવણી ક્યારે થશે તે અંગે હજી પણ અસમંજસ છે. પરંતુ કોર્ટે આ અંગે સુનાવણી કરવા માટે તૈયાર થઇ ચુક્યાં છે.

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન દ્વારા તાજેતરમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સમાનતાને પ્રોત્સાહન રેગ્યુલેશન, ૨૦૨૬ બહાર પાડવામાં આવ્યું છે. આ નિયમો સામે દેશભરમાં વિરોધ ઉઠ્યો છે અને મામલો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે.
હવે આ મામલો કાયદાકીય ગૂંચવણમાં ફસાયો
સુપ્રીમ કોર્ટે UGC ના આ નવા નિયમોને પડકારતી અરજી પર સુનાવણી કરવા સંમતિ આપી છે. જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની ખંડપીઠે આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લેતા જણાવ્યું છે કે તેઓ ટૂંક સમયમાં આ અરજીને સુનાવણી માટે સૂચિબદ્ધ કરશે.
અરજીમાં દલીલ કરવામાં આવી છે કે આ નવા નિયમો પક્ષપાતી છે. આરોપ છે કે આમાં અનુસૂચિત જાતિ , અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો માટે તો રક્ષણ છે, પરંતુ સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને સંસ્થાગત સુરક્ષા અને ફરિયાદ નિવારણના અધિકારોથી વંચિત રાખવામાં આવ્યા છે.
અરજદારોનો દાવો છે કે, આ નિયમો બંધારણીય જોગવાઈઓનું ઉલ્લંઘન કરે છે કારણ કે તે માત્ર ચોક્કસ વર્ગોને જ રક્ષણ આપે છે, જ્યારે સમાનતાનો અધિકાર દરેક નાગરિક પાસે છે. આ નિયમોના વિરોધમાં બરેલીના સિટી મેજિસ્ટ્રેટ અલંકાર અગ્નિહોત્રીએ રાજીનામું આપ્યું હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે. જેના કારણે આ વિવાદ વધુ વકર્યો છે.
UGC નું માનવું છે કે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં જાતિગત ભેદભાવ દૂર કરવા અને તમામ પછાત વર્ગના વિદ્યાર્થીઓને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવા માટે આ કડક નિયમો જરૂરી છે. જોકે, સામાન્ય વર્ગના વિરોધના કારણે હવે આ મામલો કાયદાકીય ગૂંચવણમાં ફસાયો છે.
હવે જોવાનું એ રહેશે કે સુપ્રીમ કોર્ટ આ મામલે શું વલણ અપનાવે છે. શું આ નિયમોમાં સુધારો કરવામાં આવશે કે પછી તેને રદ કરવામાં આવશે, તેનો ર્નિણય કોર્ટની આગામી સુનાવણી પર ર્નિભર રહેશે.જોકે હાલ આ સમગ્ર મામલો દેશમાં મંડલ-કમંડલ બાદ ફરી એકવાર સવર્ણ અને અનામત વર્ગ વચ્ચે મોટી ખાઇ પેદા કરી શકે તેવો વિવાદિત બન્યો છે.