Last Updated on by Sampurna Samachar
શેરબજારમાં કમાઈને કરોડપતિ બનવાના ચક્કરમાં કરોડોનો ખાડો
પીડિતે મોબાઇલ ફોન પર સોશિયલ મીડિયા થકી બન્યો શિકાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્રના પૂણેમાંથી સાયબર છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક IT કંપનીમાં કામ કરતા પ્રોફેશનલ સાથે ઓનલાઇન રોકાણના નામે ૩.૬૬ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. આ સાયબર છેતરપિંડીનો આખો સિલસિલો ૧૫ મી જુલાઈથી પહેલી ઑક્ટોબર દરમિયાન ચાલ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, પીડિતે એક દિવસ પોતાના મોબાઇલ ફોન પર સોશિયલ મીડિયા ઍપ્લિકેશન બ્રાઉઝ કરતી વખતે એક રોકાણ સંબંધિત જાહેરાત જોઈ અને તેના પર ક્લિક કર્યું. રોકાણ કરવાની લિંક પર ક્લિક કર્યા પછી પીડિતને એક મેસેજિંગ ગ્રૂપમાં ઉમેરવામાં આવ્યો, જ્યાં અન્ય રોકાણકારો શેરબજારમાંથી મોટા નફાના દાવા કરતા મેસેજ મોકલી રહ્યા હતા.
નકલી ટ્રેડિંગ એપ્સ દ્વારા ખોટો નફો દર્શાવવામાં આવ્યો
નોંધપાત્ર નફાના વચન દ્વારા લાલચ આપીને ગ્રૂપના એડમિન દ્વારા પીડિતનો સંપર્ક કરવામાં આવ્યો. ટૂંકી ચર્ચા બાદ પીડિતે રોકાણ કરવા માટે સંમતિ આપી. ત્યારબાદ ગ્રૂપ એડમિને પીડિતને એક લિંક મોકલી, જેના દ્વારા તેમને એક ટ્રેડિંગ ઍપ્લિકેશન ડાઉનલોડ કરવા અને તેના દ્વારા રોકાણ કરવાનું કહેવામાં આવ્યું.
સાયબર પોલીસના સિનિયર ઇન્સ્પેક્ટર સ્વપ્નાલી શિંદેએ જણાવ્યું કે, આ ઍપ્લિકેશન નકલી હતી. આ ઍપ્લિકેશનનો ઉપયોગ કરીને છેતરપિંડી કરનારાઓએ પીડિતના મોબાઇલ ફોનનો રિમોટ એક્સેસ પણ મેળવી લીધો હતો.
પીડિતે શરુઆતમાં નાના રોકાણ કર્યા, પરંતુ નકલી ટ્રેડિંગ એપ્સ દ્વારા ખોટો નફો દર્શાવવામાં આવતો હતો. આ ખોટા નફાના પ્રભાવ હેઠળ પીડિતે માની લીધું કે તે મોટો નફો કમાઈ રહ્યો છે. પીડિતને નકલી પ્રીમિયમ શેર અને IPO માં મોટી રકમનું રોકાણ કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યો. સાયબર છેતરપિંડી કરનારે રોકાણ કરવા માટે તેને અનેક બૅંક ખાતા પૂરા પાડ્યા હતા.
પરિણામે પીડિતે કુલ ૩.૬૬ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. પીડિતાને સાયબર છેતરપિંડીનો ખ્યાલ ત્યારે આવ્યો જ્યારે તેણે પોતાનો નફો ઉપાડવાનો પ્રયાસ કર્યો. નફો ઉપાડવાના પ્રયાસમાં સાયબર છેતરપિંડી કરનારાઓએ તેનું એકાઉન્ટ બ્લોક કરી દીધું અને વધુ પૈસાની માંગણી કરી. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું માલૂમ પડતાં જ પીડિતે તાત્કાલિક સાયબર સેલનો સંપર્ક કર્યો અને ફરિયાદ નોંધાવી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.