Last Updated on by Sampurna Samachar
સુપ્રીમ કોર્ટનો જાતિ પ્રમાણપત્રને લઇ ચૂકાદો
ભરતી જાહેરાતના નિયમો અને શરતોનું પાલન કરવું ઉમેદવારની ફરજ
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુપ્રીમ કોર્ટ દ્વારા જાતિના પ્રમાણપત્ર અંગે ચૂકાદો આપવામાં આવ્યુ છે. જેમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે કોઈપણ ભરતી જાહેરાત હેઠળ અરજી કરવા માટે જાહેરાતમાં દર્શાવેલ ચોક્કસ ફોર્મેટમાં જાતિ પ્રમાણપત્ર સબમિટ કરવું ફરજિયાત છે. કોઈપણ ઉમેદવાર ફક્ત અનામત કેટેગરીના હોવાના આધારે આ જોગવાઈમાંથી મુક્તિનો દાવો કરી ન શકે.

જસ્ટિસ દીપાંકર દત્તા અને મનમોહનની બેન્ચે આ ટિપ્પણી ઉત્તર પ્રદેશ પોલીસ ભરતી અને પ્રમોશન બોર્ડ (UPPRPB) દ્વારા જારી કરાયેલ જાહેરાત હેઠળ એક ઉમેદવાર દ્વારા કરાયેલી અરજીના સંબંધમાં કરી હતી. ઉમેદવારે કેન્દ્ર સરકાર દ્વારા માન્ય ફોર્મેટમાં OBC (અન્ય પછાત વર્ગ) પ્રમાણપત્ર રજૂ કર્યું હતું, જ્યારે જાહેરાતમાં સ્પષ્ટપણે રાજ્ય સરકાર દ્વારા નક્કી ફોર્મેટમાં પ્રમાણપત્રની માંગ કરવામાં આવી હતી.
સૌપ્રથમ અલ્લાહાબાદ હાઈકોર્ટમાં અરજી કરી
નક્કી ફોર્મેટમાં પ્રમાણપત્ર સબમિટ ન કરવામાં આવતા ઉમેદવારને બિનઅનામત કેટેગરીમાં ગણવામાં આવ્યો હતો. જ્યારે આ આધારે ઉમેદવારને ભરતી પ્રક્રિયામાંથી બાકાત રાખવામાં આવ્યો, ત્યારે તેણે સૌપ્રથમ અલ્લાહાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી. હાઈકોર્ટમાંથી રાહત ન મળતાં તેણે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો. સુપ્રીમ કોર્ટે (SUPREME COURT) પણ હાઈકોર્ટના ર્નિણયને માન્ય રાખ્યો અને કહ્યું કે ભરતી જાહેરાતના નિયમો અને શરતોનું પાલન કરવું દરેક ઉમેદવારની ફરજ છે.
ન્યાયાધીશ દત્તાએ આપેલા ચુકાદામાં ૨૦૧૩ના કેસ, રજિસ્ટ્રાર જનરલ, કલકત્તા હાઇકોર્ટ વિરુદ્ધ શ્રીનિવાસ પ્રસાદ શાહ (૨૦૧૩) ૧૨ SCC ૩૬૪ નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે જો પ્રમાણપત્ર નિર્ધારિત ફોર્મેટમાં ન હોય અને સક્ષમ અધિકારી દ્વારા જારી ન કરવામાં આવે તો તે ઉમેદવારની પાત્રતા પર પ્રતિકૂળ અસર કરશે.