Last Updated on by Sampurna Samachar
કામેશ્વર ગ્રુપ અને દીપ બિલ્ડર્સ પર આવકવેરા વિભાગ ત્રાટકયો
કુલ ૩૩ જેટલી જગ્યાઓ પર એકસાથે દરોડા પાડવામાં આવ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ ઇન્કમટેક્સ વિભાગ (IT) એક્શન મોડમાં જોવા મળ્યું હતું . શહેરના જાણીતા એવા કામેશ્વર ગ્રુપ અને દીપ બિલ્ડર્સ પર આવકવેરા વિભાગે ત્રાટકીને મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. પ્રાથમિક અહેવાલો અનુસાર, અમદાવાદના વિવિધ વિસ્તારોમાં આ બંને ગ્રુપ સાથે સંકળાયેલી કુલ ૩૩ જેટલી જગ્યાઓ પર એકસાથે દરોડા પાડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, અમદાવાદમાં આ સર્ચ ઓપરેશનમાં ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓનો કાફલો જોડાયો છે. તપાસ દરમિયાન બિલ્ડરોના રહેણાંક સ્થળો, ઓફિસો અને સાઇટ ઓફિસ પર ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. વિભાગ દ્વારા ખાસ કરીને છેલ્લા કેટલાક સમયના ડિજિટલ વ્યવહારો, બેંક સ્ટેટમેન્ટ્સ અને જમીન-મકાનના સોદાના દસ્તાવેજો કબ્જે કરવામાં આવ્યા છે.
ગેજેટ્સમાંથી પણ ડેટા રિકવર કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ
લેપટોપ અને મોબાઈલ ફોન જેવા ગેજેટ્સમાંથી પણ ડેટા રિકવર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, લાંબા સમયથી ચાલી રહેલી કરચોરીની શંકાના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. આ સર્ચ ઓપરેશનમાં મોટા પાયે બેનામી મિલકતો અને રોકડ વ્યવહારોના પુરાવા મળી આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. અમદાવાદના બે મોટા ગજાના બિલ્ડર ગ્રુપ પર થયેલા આ દરોડાને પગલે શહેરની રિયલ એસ્ટેટ લોબીમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
હાલના સમયમાં તપાસ ચાલુ હોવાથી અધિકારીઓ દ્વારા કોઈ સત્તાવાર આંકડો જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ આગામી દિવસોમાં આ દરોડામાં કરોડો રૂપિયાના બેનામી વ્યવહારો અને કરચોરી પકડાય તેવી સંભાવના છે, ત્યારે ઇન્કમટેક્સ વિભાગ આ કાર્યવાહીમાં શું બહાર આવે છે તે જોવું રહ્યુ.