Last Updated on by Sampurna Samachar
અંતરિક્ષયાત્રી શુભાંશુ શુક્લા અને ઈસરોના પ્રમુખે આપી જાણકારી
પાયલટ ૪૦૦ કિલોમીટરની ઊંચાઈએ પૃથ્વીની કક્ષામાં ત્રણ દિવસ રહેશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હીમાં ભારતીય અંતરિક્ષયાત્રી શુભાંશુ શુક્લા અને ઈસરોના પ્રમુખ વી. નારાયણને મીડિયા સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન, શુભાંશુએ ગગનયાન મિશન વિશે વાત કરતા કહ્યું કે, ટૂંક સમયમાં ભારત પોતાના રોકેટ અને કેપ્સ્યુલથી અંતરિક્ષયાત્રીઓને અંતરિક્ષમાં મોકલશે. તેમજ ઈસરો ડિસેમ્બર સુધીમાં પ્રથમ ગગનયાન પરીક્ષણ મિશન લોન્ચ કરશે.
શુભાંશુ શુક્લાએ ભારતની મહત્વાકાંક્ષી ગગનયાન મિશન વિશે વિગતવાર માહિતી આપી. તેમણે જણાવ્યું કે, આ ઈસરોનું પ્રથમ માનવ અંતરિક્ષ મિશન છે, જે અંતર્ગત ૨૦૨૭માં ભારતીય વાયુસેનાના ત્રણ પાયલટને અંતરિક્ષમાં મોકલવામાં આવશે. આ પાયલટ ૪૦૦ કિલોમીટરની ઊંચાઈએ પૃથ્વીની કક્ષામાં ત્રણ દિવસ રહેશે અને ત્યારબાદ હિન્દ મહાસાગરમાં સુરક્ષિત રીતે લેન્ડિંગ કરાવવામાં આવશે.
આંતરરાષ્ટ્રીય સ્તરે ઈસરોની વધતી તાકાત અને ક્ષમતા
મિશનનો કુલ ખર્ચ આશરે ૨૦,૧૯૩ કરોડ રૂપિયા છે. ગગનયાનની તૈયારી માટે પહેલા બે ખાલી ટેસ્ટ ફ્લાઇટ મોકલવામાં આવશે, ત્યારબાદ એક ફ્લાઇટમાં રોબોટ મોકલવામાં આવશે. જ્યારે આ બધું સફળ થશે, ત્યારબાદ મનુષ્યોને અંતરિક્ષમાં મોકલવામાં આવશે. પોતાની વાતના અંતે તેમણે એમ પણ કહ્યું કે અંતરિક્ષમાંથી ભારત આજે પણ સારે જહાં સે અચ્છા લાગે છે.
કાર્યક્રમમાં ઈસરોના પ્રમુખ વી. નારાયણન પણ ઉપસ્થિત હતા. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં ભારતની અંતરિક્ષ યાત્રાને નવી ગતિ મળી છે. ભારતે દક્ષિણ એશિયાઈ સેટેલાઇટ બનાવીને સભ્ય દેશોને સમર્પિત કર્યો. આ ઉપરાંત, ભારતે ૨૦ દેશો માટે પણ એક સેટેલાઇટ તૈયાર કર્યો.
નારાયણન વધુમાં કહ્યું કે, ૧૦ વર્ષ પહેલાં દેશમાં માત્ર એક સ્પેસ સ્ટાર્ટઅપ હતું, પરંતુ આજે ૩૦૦થી વધુ સ્ટાર્ટઅપ્સ અંતરિક્ષ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. ખાનગી કંપનીઓએ અત્યાર સુધીમાં બે સબ-ઓર્બિટલ મિશન પૂરા કર્યા છે. આ દર્શાવે છે કે ભારતની સ્પેસ ઇકોનોમી સતત વધી રહી છે અને આવનારા વર્ષોમાં તેનો વધુ વિસ્તાર થશે.
ઈસરોના પ્રમુખે જણાવ્યું કે, ૩૦ જુલાઈએ જીએસએલવી-એફ૧૬ રોકેટે નાસા-ઈસરો સિન્થેટિક એપર્ચર રડારને સફળતાપૂર્વક કક્ષામાં સ્થાપિત કર્યું. આ ઉપગ્રહ સંપૂર્ણપણે યોગ્ય રીતે કામ કરી રહ્યો છે. આગામી બેથી ત્રણ મહિનામાં ભારત ૬,૫૦૦ કિલોનો અમેરિકન કમ્યુનિકેશન સેટેલાઇટ પણ પોતાના લોન્ચ વ્હીકલથી પ્રક્ષેપિત કરશે. આ પ્રકારનો સહયોગ માત્ર ટેકનિકલ દૃષ્ટિએ જ મહત્ત્વપૂર્ણ નથી, પરંતુ તે આંતરરાષ્ટ્રીય સ્તરે ઈસરોની વધતી તાકાત અને ક્ષમતાને પણ દર્શાવે છે.