Last Updated on by Sampurna Samachar
આ પરીક્ષણ ઈસરો અને DRDO ના સંયુક્ત પ્રયાસોનું પરિણામ
ગગનયાન ભારતનું પહેલું માનવ અંતરિક્ષ મિશન
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઈસરોએ ભારતના પહેલાં માનવ અંતરિક્ષ મિશન ગગનયાનની દિશામાં અન્ય એક મહત્ત્વનું પગલું લીધું છે. ઈસરોએ ગગનયાન ક્રૂ મૉડ્યુલની ગતિ ઓછી કરવાની પ્રણાલી માટે ડ્રોગ પેરાશૂટના ક્વૉલિફિકેશન પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. આ પરીક્ષણ ચંડીગઢ સ્થિત ટર્મિનલ બેલિસ્ટિક્સ રિસર્ચ લેબોરેટરીની રેલ ટ્રેક રૉકેટ સ્લેડ સુવિધા પર કરવામાં આવ્યા.

ઈસરોના જણાવ્યાનુસાર, આ પરીક્ષણનો હેતુ કઠિન અને બદલાતી ઉડાન સ્થિતિમાં ડ્રોગ પેરાશૂટના પ્રદર્શન અને વિશ્વસનીયતાની તપાસ કરવાનો હતો. બંને પરીક્ષણોમાં તમામ લક્ષ્ય પ્રાપ્ત થઈ ગયા અને પેરાશૂટે વિવિધ પરિસ્થિતિઓમાં પણ પોતાની મજબૂતી સાબિત કરી.
ભારતીય અંતરિક્ષ કાર્યક્રમને નવી ઊંચાઈઓ પર લઈ જશે
ગગનયાન ક્રૂ મૉડ્યુલની ગતિ ઓછું કરવાની પ્રણાલીમાં કુલ ૧૦ પેરાશૂટ છે, જે ચાર અલગ-અલગ પ્રકારના છે. આ પેરાશૂટ અંતરિક્ષથી પરત ફરતા સમયે ક્રૂ મૉડ્યુલને સ્થિર રાખે છે. તેની ગતિને સુરક્ષિત સ્તર સુધી ઓછું કરે છે, જેથી સમુદ્રમાં સુરક્ષિત લેન્ડિંગ થઈ શકે.
પેરાશૂટ ખુલવાની ક્રમબદ્ધ પ્રક્રિયા
સૌથી પહેલાં બે એપેક્સ કવર સેપરેશન પેરાશૂટ ખુલે છે, જે પેરાશૂટ ડબ્બાના સુરક્ષાત્મક કવરને દૂર કરે છે. ત્યારબાદ બે ડ્રોગ પેરાશૂટ તૈનાત થાય છે. આ ક્રૂ મૉડ્યુલને સ્થિર કરે છે. વાયુમંડળમાં પુન: પ્રવેશ દરમિયાન તેમની તેજ ગતિને સુરક્ષિત સ્તર સુધી ઓછું કરે છે. ડ્રોગ પેરાશૂટ છોડ્યા બાદ ત્રણ પાઇલેટ પેરાશૂટ ખુલે છે, જે ત્રણ મુખ્ય પેરાશૂટને બહાર કાઢે છે.
અંતે ત્રણ મુખ્ય પેરાશૂટ સુરક્ષિત ટચડાઉન સુનિશ્ચિત કરવા માટે ક્રૂ મોડ્યુલની ગતિ વધુ ધીમી કરે છે.ડ્રોગ પેરાશૂટ આ આખી પ્રમાલીનો સૌથી મહત્ત્વપૂર્ણ ભાગ છે. કારણ કે, આ સૌથી કપરી સ્થિતિ- જેમ કે, ઉચ્ચ ગતિ, વધુ ગરમી અને બદલાતી હવાની દિશામાં કામ કરે છે.
આ પરીક્ષણ ઈસરો અને DRDO ના સંયુક્ત પ્રયાસોનું પરિણામ છે. જેમાં વિક્રમ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્ર, એરિયલ ડિલિવરી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ અને ટીબીઆરએલની ટીમે સક્રિય ભૂમિકા ભજવી. આરટીઆરએસ સુવિધા એક વિશેષ રેલ ટ્રેક છે, જ્યાં રૉકેટની મદદથી ઉચ્ચ ગતિ ટેસ્ટ કરવામાં આવે છે. આનાથી વાસ્તવિક અંતરિક્ષ વાપસી જેવી પરિસ્થિતિઓમાં પેરાશૂટનું પરીક્ષણ કરવાની મંજૂરી મળે છે.
ગગનયાન ભારતનું પહેલું માનવ અંતરિક્ષ મિશન છે. તેમાં ત્રણ ભારતીય અંતરિક્ષ યાત્રી પૃથ્વીની નીચલી કક્ષા (લગભગ ૪૦૦ કિ.મી ઊંચાઈ)માં ત્રણ દિવસ રહેશે અને સુરક્ષિત પરત ફરશે. મિશનની સફળતા માટે ક્રૂ મૉડ્યુલની સુરક્ષિત વાપસી સૌથી મોટો પડકાર છે. પેરાશૂટ પ્રણાલી તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
આ સફળ પરીક્ષણથી ઈસરો માનવ અંતરિક્ષ ઉડાન માટે પેરાશૂટ પ્રણાલીને યોગ્ય બવનાવવાની દિશામાં એક મોટું પગલું છે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે પણ આ ઉપલબ્ધિના વખાણ કર્યા અને કહ્યું કે, ભારત પોતાના પહેલાં માનવ અંતરિક્ષ મિશનની નજીક આવી ગયું છે.
ઈસરો હવે આગળનું પરીક્ષણ અને મિશનની તૈયારીમાં જોડાયું છે. આ સફળતા આખા દેશ માટે ગર્વની વાત છે અને ભારતીય અંતરિક્ષ કાર્યક્રમને નવી ઊંચાઈઓ પર લઈ જશે.