ભારતના ચંદ્રયાન-૪ મિશનની સફળતા પણ spadex મિશન પર ર્નિભર
(સંપૂર્ણ સમાચાર સેવા)
ISRO એ તેના મહત્ત્વાકાંક્ષી સ્પેસ મિશન ‘spadex ’ના લોન્ચિંગને બે મિનિટ મોડું કર્યું છે. ISRO નું આ મિશન તેના સ્પેસ પ્રોગ્રામમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. અગાઉ ઈસરો સોમવારે રાત્રે ૯.૫૮ કલાકે તેનું સ્પેસ ડોકિંગ મિશન spadex લોન્ચ કરવા જઈ રહ્યું હતું, પરંતુ હવે આ લોન્ચિંગ રાત્રે ૧૦ વાગ્યે બે મિનિટ મોડું થયું હતું. જોકે ઈસરોએ લોન્ચના સમયમાં આ ફેરફારનું કારણ જણાવ્યું નથી. ઈસરોએ ટિ્વટ કરીને લખ્યું કે, ‘લોન્ચિંગનો દિવસ આવી ગયો છે અને સોમવારે રાત્રે ૧૦ વાગ્યે spadex અને નવા પેલોડ સાથે PSLV- C60 ઉડાન ભરવા માટે તૈયાર થયું હતું .
વકાશ એજન્સીએ કહ્યું કે, ‘અવકાશ ડોકિંગ પ્રયોગ એ પૃથ્વીની ભ્રમણકક્ષામાં ડોક કરવાની ભારતની ક્ષમતા સ્થાપિત કરવા માટેનું એક મહત્ત્વપૂર્ણ મિશન છે, જે ભવિષ્યના માનવ અવકાશ મિશન અને સેટેલાઇટ સેવા મિશન માટે મહત્ત્વપૂર્ણ તકનીક છે.’ ઈસરોના એક અધિકારીએ કહ્યું કે, રવિવારે રાત્રે ૯ વાગ્યાથી શરૂ થયેલ ૨૫ કલાકનું કાઉન્ટડાઉન ચાલુ છે. ભારત પહેલા માત્ર ચીન, રશિયા અને અમેરિકાએ જ સ્પેસ ડોકિંગનું સફળ પરીક્ષણ કર્યું છે. ભારતના ચંદ્રયાન-૪ મિશનની સફળતા પણ spadex મિશન પર ર્નિભર છે.
આ મિશન હેઠળ ISRO પૃથ્વીની નીચલી કક્ષામાં બે અવકાશયાનને જોડશે. આ ઉપરાંત સ્પેસક્રાફ્ટને કનેક્ટ કર્યા બાદ તેમાં ઇલેક્ટ્રિક પાવર ટ્રાન્સફર કરવાની ટેક્નોલોજીનું પણ પરીક્ષણ કરવામાં આવશે. આ મિશન કેટલું પડકારજનક છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ISRO PSLV રોકેટમાં બે અવકાશયાન – સ્પેસક્રાફ્ટ A (SDX01) અને સ્પેસક્રાફ્ટ B (SDX02) એક ભ્રમણકક્ષામાં મુકશે જે તેમને એકબીજાથી ૫ કિમી દૂર રાખશે, દૂર પૃથ્વીની ભ્રમણકક્ષામાં પહોંચ્યા પછી અવકાશયાનની ગતિ લગભગ ૨૮,૮૦૦ કિલોમીટર પ્રતિ કલાક હશે. આ સ્પીડ કોમર્શિયલ એરક્રાફ્ટની સ્પીડ કરતાં ૩૬ ગણી અને બુલેટની સ્પીડ કરતાં ૧૦ ગણી વધુ હશે. આ સ્પીડમાં બંને સ્પેસક્રાફ્ટની સ્પીડને પહેલા જમીન પરથી કંટ્રોલ કરવામાં આવશે અને તેને ૦.૨૫ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પર લાવવામાં આવશે અને ત્યારબાદ બંને અવકાશયાનને એકસાથે જોડવામાં આવશે.
આ ટેક્નોલોજીનો ઉપયોગ ચંદ્રયાન-૪ મિશનમાં પણ કરવામાં આવશે, જેમાં ચંદ્રમાંથી સેમ્પલ પૃથ્વી પર પાછા લાવવામાં આવશે. ભારતને અવકાશમાં પોતાનું સ્ટેશન બનાવવા અને ત્યાં મુસાફરી કરવા માટે પણ ડોકિંગ ટેક્નોલોજીની જરૂર પડશે. જ્યારે વહેંચાયેલ મિશન ઉદ્દેશ્યો હાંસલ કરવા માટે બહુવિધ રોકેટ પ્રક્ષેપણનું આયોજન કરવામાં આવે ત્યારે ડોકીંગ તકનીકોનો પણ ઉપયોગ કરવામાં આવે છે.