Last Updated on by Sampurna Samachar
નાસાએ નિસાર માટે એલ-બેન્ડ ઉપલબ્ધ કરાવ્યું
આ ઉપગ્રહ દર ૧૨ દિવસે આખી પૃથ્વીનું સ્કેન કરશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઈસરોએ નાસા સાથે મળી નિસાર મિશન લોન્ચ કર્યું છે. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતિષ ધવન અંતરિક્ષ કેન્દ્ર ખાતે નિસાર (નાસા-ઇસરો સિન્થેટિક એપરચર રડાર) ને GSLV – S – ૧૬ રોકેટ મારફત લોન્ચ કર્યું છે. આ પહેલું એવુ મિશન છે, જેમાં કોઈ GSLV રોકેટ મારફત સન-સિંક્રોનસ ઓર્બિટ (સૂર્ય-સ્થિર કક્ષા) માં કૃત્રિમ ઉપગ્રહ સ્થાપિત કરવામાં આવ્યો હોય.
GSLV રોકેટ લગભગ ૧૯ મિનિટની યાત્રા બાદ ઉપગ્રહને ૭૪૫ કિમીની ઊંચાઈએ સૂર્યની સ્થિર ધ્રુવીય કક્ષા (સન-સિંક્રોનસ ઓર્બિટ) માં સ્થાપિત કરશે. આ એવી કક્ષા છે, જ્યાં ઉપગ્રહ પૃથ્વીના ધ્રુવોની ઉપરથી પસાર થાય છે, અને દરેક વખતે એક વિશેષ સ્થાનથી પસાર થાય છે, જોકે, દરેક સ્થિતિમાં સૂર્ય પ્રકાશની સ્થિતિ એક જેવી જ રહે છે.
નિસાર સમગ્ર પૃથ્વીનો સંપૂર્ણ ડેટા એકત્રિત કરશે
કાવુલરૂએ મિશન વિશે જણાવ્યું હતું કે, નાસાએ નિસાર માટે એલ-બેન્ડ ઉપલબ્ધ કરાવ્યું છે, જ્યારે ઈસરો સિન્થેટિક એપરચર રડાર માટે એસ-બેન્ડ પુરૂ પાડ્યું હતું. જેનાથી મોટી સંખ્યામાં ડેટા એકત્રિત કરવાનું સંભવ બનશે. આ ઉપગ્રહ એન્ટાકર્ટિકા, ઉત્તરીય ધ્રુવ, અને મહાસાગરો સ્થિત પૃથ્વી પાસેથી સંબંધિત વ્યાપક ડેટા પ્રસારિત કરશે.
કાવુલુરૂએ જણાવ્યું હતું કે, નિસાર સમગ્ર પૃથ્વીનો સંપૂર્ણ ડેટા એકત્રિત કરશે. જેનો ઉપયોગ કોમર્શિયલ અને વૈજ્ઞાનિક ઉદ્દેશો માટે થશે. ઈસરો આ ડેટાને પ્રોસેસ કરશે અને તેમાંથી મોટા ભાગના ડેટાને ઓપન-સોર્સ તરીકે ઉપલબ્ધ કરાવશે. જેથી વિશ્વભરના યુઝર્સને તેની સરળતાથી ઍક્સેસ કરી શકશે.
આનાથી આપણે હિમાલય અને એન્ટાર્કટિકા જેવા પ્રદેશોમાં જંગલોમાં ફેરફાર, પર્વતોની સ્થિતિ અથવા સ્થાનમાં ફેરફાર અને હિમનદીઓની હિલચાલ સહિત મોસમી ફેરફારોનું નિરીક્ષણ કરી શકીશું. દરેક દેશ પર નજર રાખી શકાશે.
ઇસરો અનુસાર, નાસા-ઇસરો સિન્થેટિક એપરચર રડાર (NISAR) ઉપગ્રહનું પ્રક્ષેપણ બંને અવકાશ એજન્સીઓ વચ્ચેના એક દાયકાથી વધુ લાંબા સહયોગમાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.
ઇસરોએ જણાવ્યું હતું કે આ ઉપગ્રહ દર ૧૨ દિવસે આખી પૃથ્વીનું સ્કેન કરશે અને હવામાનની તમામ પરિસ્થિતિઓમાં દિવસ અને રાત હાઈ-રિઝોલ્યુશન ડેટા પ્રદાન કરશે. ઉપગ્રહ પૃથ્વીની સપાટી પર થતા અત્યંત સૂક્ષ્મ ફેરફારોને ઓળખી શકશે, જેમ કે વનસ્પતિમાં ફેરફાર, હિમનું પીગળવું અને જમીનનું ડિફોર્મેશન.