Last Updated on by Sampurna Samachar
અમેરિકા અને ઈઝરાયલે કરેલા હુમલામાં મોટા નેતાનુ મોત
ઈરાનમાં શાસક પક્ષના વિરોધમાં પ્રદર્શન શરૂ થાય તેવી કોશિશ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઈઝરાયલના વડા પ્રધાન નેતન્યાહૂએ ઈરાનના લોકોને સીધી અપીલ કરી છે કે, તે પોતાના દેશની હાલની સત્તા વિરુદ્ધ ઉભા થાય. અમેરિકા અને ઈઝરાયલે કરેલા હુમલામાં સુપ્રીમ લીડર ખામેનેઈના મોત બાદ નેતન્યાહૂ મોટા પ્રમાણમાં ઈરાનમાં શાસક પક્ષના વિરોધમાં પ્રદર્શન શરૂ થાય તેવી કોશિશ કરી રહ્યા છે, નેતન્યાહૂએ એટેક પાર્ટ ૨ ને મંજૂરી આપતા કહ્યું કે રોકાયા વગર ઈરાન પર હુમલો કરતાં રહીશું.

હાલ જ ઈઝરાયલે ઈરાન પર કરેલા ઘાતક હુમલાઓ બાદ વડાપ્રધાન નેતન્યાહૂએ સ્પષ્ટ સંદેશો આપ્યો કે, આવનારા દિવસોમાં આતંકી શાસનના હજારો ઠેકાણા પર હુમલા કરવામાં આવશે. અમે એવી પરિસ્થિતિઓ બનાવીશું કે ઈરાનના બહાદુર લોકો સરમુખત્યારશાહીની સાંકળોથી મુક્ત થઈ શકે. તેથી જ હું ફરી એકવાર તમારી સાથે વાત કરી રહ્યો છું.
ઈરાને હથિયાર મૂકવા જ પડશે , ઈઝરાયલના PM ની ચેતવણી
ઈરાનના નાગરિકોને સંબોધન કરતાં નેતન્યાહૂએ આ સમયને દુર્લભ ઐતિહાસિક તક ગણાવી અને લોકોને ચૂપ ન રહેવાની અપીલ કરી. તેમણે કહ્યું, ઈરાનના નાગરિકો, આ મોકાને હાથમાંથી ન જવા દો. આવો મોકો દરેક પેઢીમાં માત્ર એક જ વખત આવે છે, ચૂપચાપ ન બેસો, તમારો સમય જલદી આવવાનો છે. તેમણે લોકોને લાખોની સંખ્યામાં રસ્તા પર ઉતરવા અને સામૂહિક રીતે વર્તમાન વ્યવસ્થાને ઉથલાવી દેવા અપીલ કરી.
ઈરાન પર હુમલા બાદ ઈઝરાયલના પીએમ નેતન્યાહૂએ ચેતવણી આપતાં કહ્યું કે, ઈરાને પરમાણુ કાર્યક્રમ ખતમ કરવો જ પડશે. ઈરાને હથિયાર મૂકવા જ પડશે. છેલ્લા ૪૭ વર્ષોથી આયતોલ્લા શાસન ડેથ ઑફ ઈઝરાયલ અને ડેથ ઑફ અમેરિકાના નારા લગાવીને નિર્દોષોનું લોહી વહાવતું આવ્યું છે. આ ખૂની અને આતંકવાદી શાસનને એવા પરમાણુ હથિયારોથી સજ્જ થવા દેવામાં આવશે નહીં જે સમગ્ર માનવજાત માટે ખતરો બની શકે.