Last Updated on by Sampurna Samachar
હૉસ્પિટલના અધિકારીઓ અને પ્રત્યક્ષદર્શીઓએ આપી માહિતી
મૃતદેહોની આસપાસ લોહીના ખાબોચિયા થયા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાઝા પટ્ટીમાં ભોજનની શોધમાં નીકળેલા એક જૂથના લોકોને ઇઝરાયલના સૈનિકોએ ગોળીથી વિંધી નાખ્યા હતા. ભોજન વિતરણ કેન્દ્ર પર ભોજન લેવા આવેલા પેલેસ્ટાઇનના લોકો પર ઇઝરાયલના સૈનિકોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જેમાં ૨૩ લોકોના મોત થયા હતા. હૉસ્પિટલના અધિકારીઓ અને પ્રત્યક્ષદર્શીઓએ આ અંગે માહિતી આપી હતી.
ભોજન લેવા આવેલા પ્રત્યક્ષદર્શી યુસુફ આબેદે જણાવ્યું કે, અમે ભોજન લેવા આ ભોજન વિતરણ કેન્દ્ર પર આવ્યા હતા. જ્યાં અચાનક અંધાધૂંધ ગોળીબાર થવા લાગ્યો હતો. અમે આમ-તેમ દોડવા લાગ્યા, અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. જમીન પર થોડી જ ક્ષણોમાં ચારે બાજુ લાશોના ઢગલાં જોવા મળ્યા હતા. મૃતદેહોની આસપાસ લોહીના ખાબોચિયા થયા હતા. ભીષણ ગોળીબારના કારણે કોઈ મદદે આવી શક્યું નહીં.
હજારો લોકો ઘાયલ થયા
દક્ષિણ ગાઝાની નાસેર હૉસ્પિટલના વહીવટીતંત્રે જણાવ્યું કે, અનેક ભોજન વિતરણ કેન્દ્રો પર ઇઝરાયલની સેના દ્વારા હુમલા થયા હતા. તૈના વિસ્તારમાંથી આઠ જણ મૃત્યુ પામ્યા. શાકૂશમાં એકને ગોળી વાગતાં મોત થયું હતું. જ્યારે મોરાગ કોરિડોરમાં અંધાધૂંધ ગોળીબારના કારણે નવ લોકોના મોત થયા. આ સિવાય ઇઝરાયલની સરહદમાં થઈને ગાઝા આવી રહેલા ટ્રકની રાહ જોઈ રહેલા લોકો પર પણ હુમલો થતાં અંદાજે ૨૩ લોકોના મોત થયા હતા.
સેન્ટ્રલ ગાઝામાં આવેલી હોસ્પિટલના વહીવટી તંત્રે પણ જણાવ્યું હતું કે, ઈઝરાયલની સેનાએ GSF ના ચોથા અને ઉત્તરીય ભોજન વિત્તરણ કેન્દ્ર પર ભીડ પર ખુલ્લેઆમ ફાયરિંગ કર્યું હતું. સૈનિકો આ પ્રકારનું કૃત્ય કરી લોકોને ધમકાવી રહ્યા છે કે, કાં તો ભાગી જાવ અથવા તો ગોળી ખાવ. જેમાં અમુક લોકોને ઠાર પણ કરી રહ્યા છે. નેત્ઝરિમ કોરિડોર નજીક GSF કેન્દ્ર પર પાંચ લોકોને ઠાર કર્યા હતાં. જ્યારે ૨૭ ઘાયલ થયા હતાં.
UN ના રિપોર્ટ અનુસાર, ૨૭ મેથી ૩૧ જુલાઈ દરમિયાન GSF (ભોજન વિતરણ કેન્દ્રો)માં ઈઝરાયલી સેનાના ગોળીબારમાં કુલ ૮૫૯ લોકો મોતને ભેટ્યા છે. હજારો લોકો ઘાયલ થયા છે. ઈઝરાયલ હમાસને ઘૂંટણિયે લાવવા ભોજન વિત્તરણ કેન્દ્રોને ટાર્ગેટ બનાવી રહ્યું છે. યુએન સહિત વિવિધ દેશો સીઝફાયર કરવા અપીલ કરી રહ્યા છે. પરંતુ ઈઝરાયલ અને હમાસે આ મુદ્દે હજી સુધી કોઈ ર્નિણય લીધો નથી.