ત્રણેય સામે ગુનો નોંધીને તમામની અટકાયત કરાઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઇસનપુર વિસ્તારમાં પરિવાર સાથે રહેતો યુવક રાતે સોસાયટીના નાકે ઊભો હતો ત્યારે અચાનક એક સગીર સહિત ત્રણ ટપોરી આવ્યા અને યુવકને સિગારેટ હાથમાં પકડવાનું કહ્યું હતું. યુવકે સિગારેટ પકડવાથી ઇનકાર કરી દેતા તેને માર માર્યો અને ગરદન પર ચાકુ મૂકીને હું જે કહું તેમ કરવું પડશે નહીં તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આ બનાવ CCTV કેમેરામાં કેદ થઇ જતા પોલીસે ત્રણેય સામે ગુનો નોંધીને તમામની અટકાયત કરી છે.
ઇસનપુરમાં જયશ્રી સોસાયટીમાં જિતેન્દ્રભાઈ મકવાણા પત્ની અને ત્રણ બાળકો સાથે રહે છે. ૨૨ ડિસેમ્બરે રાત્રે જિતેન્દ્રભાઈ અને પરિવારના સભ્યો ઘરમાં હાજર હતા ત્યારે તેમનો ૨૧ વર્ષીય દીકરો અયન ગભરાઈને ઘરમાં દોડીને આવ્યો અને કહેવા લાગ્યો કે સોસાયટીના નાકે ત્રણ છોકરાએ મને સિગારેટ પકડવાનું કહ્યું પરંતુ મેં ઇનકાર કરતા ત્રણમાંથી એકે મારી ગરદન પર છરી મૂકી અને હું કહું એમ કરવાનું નહિતર જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. દીકરાની વાત સાંભળીને માતા-પિતા અને દીકરો ઘરની બહાર જાેવા માટે નીકળ્યા ત્યારે સગીર સહિત બે ટપોરીઓ નાકે જ હતા. જિતેન્દ્રભાઇએ તેમને ધમકી કેમ આપતા હતા તેવું પૂછતા જ તેઓ ઝઘડ્યા હતા. બૂમાબૂમ થવા લાગતા અન્ય રહીશો બહાર આવી જતા ત્રણેય નાસી છુટ્યા હતા. જિતેન્દ્રભાઈ અને દીકરો તેમની પાછળ દોડ્યા ત્યારે ત્રણમાંથી બે જણાએ પથ્થરમારો કર્યો હતો. સોસાયટીમાં લગાવેલા CCTV ફૂટેજમાં આ બનાવ રેકોર્ડ થયો હતો. પોલીસે વિવેક ઉર્ફે કલ્લુ યાદવ, નરેન્દ્ર ઉર્ફે નન્ની અટકાયત કરીને કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને બાળ સરંક્ષણ ગૃહ ખાતે મોકલી આપ્યો છે.