Last Updated on by Sampurna Samachar
SC એ રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીની કામગીરીની કરી ટીકા
સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ર્નિણયને ઉલટાવી દીધો
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુપ્રીમ કોર્ટે, રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીની કામગીરીની આકરી ટીકા કરતા કહ્યું કે, તેને બંધ કરવું વધુ સારું રહેશે કારણ કે તે હવે ફક્ત ડિફોલ્ટર બિલ્ડરોને જ મદદ કરે છે. હિમાચલ પ્રદેશમાં RERA ઓફિસના સ્થાનાંતરણ અંગેના એક કેસની સુનાવણી દરમિયાન, કોર્ટે કહ્યું કે, રાજ્યોએ વિચાર કરવો જોઈએ કે આ સંસ્થા RERA , જનતા માટે બનાવવામાં આવી છે કે બિલ્ડરો માટે.

મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમાલિયા બાગચીની બનેલી બેન્ચે, સુનાવણી દરમિયાન RERA સામે ખૂબ જ કડક વલણ અપનાવ્યું. ન્યાયાધીશોએ કહ્યું કે, તમામ રાજ્ય સરકારોએ હવે ગંભીરતાથી વિચારવું જોઈએ કે, RERA નામની સંસ્થા શેના માટે બનાવવામાં આવી હતી.
હાઈકોર્ટે ૧૩ જૂન, ૨૦૨૫ ના જાહેરનામા પર સ્ટે મૂક્યો હતો
શું આ સામાન્ય લોકોના હિતોનું રક્ષણ કરવા માટે હતું કે બિલ્ડરોને સુવિધા આપવા માટે CJI સૂર્યકાંતે ટિપ્પણી કરી, “આ સંસ્થા ડિફોલ્ટર બિલ્ડરોને સુવિધા આપવા સિવાય બીજું કંઈ કરી રહી નથી. આવી સ્થિતિમાં, આ સંસ્થાને સંપૂર્ણપણે નાબૂદ કરવી વધુ સારું રહેશે.”
હિમાચલ પ્રદેશમાં એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટની નારાજગી ઉભરી આવી હતી. આ વિવાદ હિમાચલ પ્રદેશ સરકાર દ્વારા રાજ્ય RERA ઓફિસને શિમલાથી ધર્મશાળા ખસેડવા માટે જાહેરનામું બહાર પાડવાના ર્નિણય અંગે હતો. આ ર્નિણય સામે અપીલ દાખલ કરવામાં આવી હતી, અને મામલો હિમાચલ પ્રદેશ હાઈકોર્ટમાં પહોંચ્યો હતો.
ગયા વર્ષે, હાઈકોર્ટે આ જાહેરનામા પર સ્ટે મૂક્યો હતો. એવું માનવામાં આવતું હતું કે, સરકારે વૈકલ્પિક સ્થાન ચકાસ્યા વિના જ ઓફિસ ખસેડવાનો ર્નિણય લીધો હતો. હાઈકોર્ટે તેના આદેશમાં એમ પણ જણાવ્યું હતું કે, ૧૮ આઉટસોર્સ કર્મચારીઓને અન્ય બોર્ડ અને કોર્પોરેશનોમાં સમાવિષ્ટ કરવામાં આવશે, જે RERA ની કામગીરીને સંપૂર્ણપણે વિક્ષેપિત કરશે. આ દલીલોના આધારે, હાઈકોર્ટે ૧૩ જૂન, ૨૦૨૫ ના જાહેરનામા પર સ્ટે મૂક્યો હતો.
સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ર્નિણયને ઉલટાવી દીધો, જેનાથી રાજ્ય સરકારને નોંધપાત્ર રાહત મળી. સુપ્રીમ કોર્ટે રાજ્યને RERA ઓફિસને શિમલાથી ધર્મશાળા ખસેડવાની મંજૂરી આપી હતી. જોકે, કોર્ટે ખાતરી કરી હતી કે આ પ્રક્રિયાથી સામાન્ય લોકો અથવા RERA ના આદેશોથી પ્રભાવિત લોકોને કોઈ અસુવિધા ન થાય.
બેન્ચે નિર્દેશ આપ્યો હતો કે માત્ર RERA ઓફિસ જ નહીં પરંતુ અપીલ ટ્રિબ્યુનલને પણ ધર્મશાળામાં ખસેડવામાં આવે જેથી લોકોને અપીલ માટે આમતેમ દોડવું ન પડે. રાજ્ય સરકાર વતી વરિષ્ઠ વકીલ માધવી દિવાને દલીલ કરી હતી.
સુપ્રીમ કોર્ટે આ પ્રકારનું વલણ અપનાવ્યું હોય તેવું આ પહેલી વાર નથી; આવા જ કેસમાં કોર્ટે અગાઉ હિમાચલ પ્રદેશ પછાત વર્ગ આયોગના મુખ્ય મથકને શિમલાથી ધર્મશાળા ખસેડવા પર હાઇકોર્ટનો સ્ટે ઉઠાવી લીધો હતો.