Last Updated on by Sampurna Samachar
ખનીજ માફિયાઓ સામે તંત્રએ તવાઈ બોલાવી ૪૦ વાહનો જપ્ત કરી કરોડોનો મુદ્દામાલ જપ્ત
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમરેલીમાં કલેક્ટરે ગેરકાયદેસર ખનીજ ચોરી અને બિનઅધિકૃત રીતે ઓવરલોડ દોડતા વાહનો સામે તવાઈ બોલાવી હતી. જેમાં ટ્રક,ડમ્પર,ટ્રેક્ટર સહીત ૪૦ જેટલા ભારે વાહનો જપ્ત કરી ૩ કરોડ કરતા પણ વધુનો મુદામાલ જપ્ત કર્યો છે.
અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયાના માર્ગદર્શન હેઠળ, જિલ્લા તંત્ર દ્વારા ગેરકાયદેસર ખનીજ ચોરી અને ઓવરલોડ વાહનો સામે સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીમાં નદીઓની આસપાસના વિસ્તાર અને માર્ગો પર તપાસ કરીને ૪૦ જેટલા બિનઅધિકૃત વાહનોને જપ્ત કરવામાં આવ્યા છે. આ સાથે જ રૂ. ૩ કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે. અમરેલી જિલ્લાના જાફરાબાદ, ખાંભા, લાઠી, રાજુલા સહિતના વિસ્તારોમાંથી આ વાહનો ઝડપાયા છે. આ વાહનોમાં ખનિજ તરીકે બલેક્ટ્રેપ પથ્થર, બેલા, રેતી જેવા મટિરિયલ ભરેલા હતા. આ કાર્યવાહી અમરેલી જિલ્લામાં આ પ્રકારના ગેરકાયદેસર કાર્યોને અંકુશમાં લેવાના દિશામાં એક મહત્વનું પગલું માનવામાં આવે છે.
કલેક્ટર દહિયાએ જણાવ્યું હતું કે, “જિલ્લામાં ખનીજ ચોરી અને ઓવરલોડ વાહનોની સમસ્યા ગંભીર બની રહી છે. આ સમસ્યાને ડામવા માટે અમે આ કાર્યવાહી હાથ ધરી છે. આગામી દિવસોમાં પણ આવી કાર્યવાહી ચાલુ રહેશે.” આ કાર્યવાહીથી જિલ્લામાં ખનીજ ચોરી અટકશે અને પર્યાવરણને નુકસાન થતું અટકાવી શકાશે તેવી આશા રાખવામાં આવે છે.