Last Updated on by Sampurna Samachar
ટ્રમ્પની ચેતવણી છતાં ફરી મોટો હુમલો થતાં ટ્રમ્પ નારાજ
આ હુમલા બાદ મધ્ય-પૂર્વમાં ફરી તણાવ વધ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સીઝફાયર પર મંજૂરીના અઢી કલાકમાં જ ઈરાને હુમલો કર્યો હતો. આ હુમલાનો વળતો જવાબ આપતાં ઈઝરાયલે પણ તેહરાનમાં એક-પછી એક બે હુમલા કરી દીધા છે. ટ્રમ્પે ઈઝરાયલને હુમલો કરવાની ના પાડી હોવા છતાં ઈઝરાયલે તેહરાન નજીક સ્થિત ઈરાની રડાર મથક પર એરસ્ટ્રાઈક કરી હોવાના અહેવાલો મળ્યા છે.
સ્થાનિક મીડિયા અનુસાર, તેહરાનથી લગભગ ૨૦૦ કિમી કેસ્પિયન સમુદ્રના કિનારે સ્થિત બાબોલ અને બાબોલસર શહેરમાં વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. હજુ સુધી હુમલામાં નુકસાન અને જાનહાનિના કોઈ અહેવાલ મળ્યા નથી. આ હુમલા બાદ મધ્ય-પૂર્વમાં ફરી તણાવ વધ્યો છે.
ઇઝરાયલ પર ટ્રમ્પે નારાજગી બતાવી
છેલ્લા ૧૨ દિવસથી ચાલી રહેલા ભીષણ યુદ્ધનો અંત લાવવા સવારે જ બંને દેશોએ સીઝફાયરને સહમતિ આપી હતી. આ અંગે સૌપ્રથમ જાહેરાત અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કરી હતી. જોકે, આ જાહેરાતના અઢી કલાકમાં જ ઈરાને ઈઝરાયલ પર હુમલો કરતાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું.
ઈઝરાયલે પણ સામે વળતો જવાબ આપવાની તૈયારી બતાવી હતી. ઈઝરાયલના સંરક્ષણ મંત્રીએ સેનાને મજબૂતાઈથી આકરો જવાબ આપવા આદેશ આપ્યો હતો. જેના ભાગરૂપે ઈઝરાયલે તેહરાનમાં એક-પછી એક બે હુમલા કર્યા હતા.
ટ્રમ્પે વ્હાઈટ હાઉસ લૉન પર મીડિયા સાથે વાતચીત કરતાં આ સમગ્ર ઘટના પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે ઈરાન અને ઈઝરાયલ યુદ્ધ પર ટીપ્પણી કરતાં ગુસ્સામાં અપશબ્દો પણ કહ્યા હતાં. ટ્રમ્પે કહ્યું કે, આટલા સમયથી બંને લડી રહ્યા છે. તેમને પોતાને ખબર નથી કે, તેઓ શું કરી રહ્યા છે. હું બંનેથી ખાસ કરીને ઈઝરાયલથી નારાજ છું.