Last Updated on by Sampurna Samachar
અમેરિકા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનને ચેતવણી આપી
ઇઝરાયલના ભીષણ ડ્રોન હુમલામાં ઈરાનને મોટું નુકસાન
(સંપૂર્ણ સમાચાર સેવા)
વિશ્વમાં વધુ એક વાર યુદ્ધ છંછેડાયું છે. જેમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (TRUMP) ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ફરી શરુ થયેલા યુદ્ધ મામલે ઈરાનને પરમાણુ ડીલ કરવા સલાહ આપી છે. તેમણે આ સમાધાન કરવામાં નહીં આવે તો તેના અત્યંત માઠા પરિણામો ભોગવવાની ચીમકી પણ ઈરાનને આપી છે.
ઇઝરાયલના ભીષણ ડ્રોન હુમલામાં ઈરાનને મોટું નુકસાન થયું છે. ઈરાનની સેનાના ટોચના અધિકારીઓ અને પરમાણુ વિજ્ઞાનીઓ માર્યા ગયા છે. સામે ઈરાને પણ વળતો પ્રહાર કરતાં ઇઝરાયલની એર ડિફેન્સ સિસ્ટમને ટાર્ગેટ બનાવી ૧૦૦ ડ્રોન વડે હુમલા કર્યા હતા. યુદ્ધની શરુઆત સાથે જ ટ્રમ્પે ઈરાનને સલાહ અને ચેતવણી બંને આપી છે.
ઇઝરાયલે સૈન્ય ગતિવિધિઓમાં વધારો કર્યો
ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું હતું કે, મેં ઈરાનને સમાધાન કરવાની અનેક તકો આપી હતી. મેં તેને આ યુદ્ધ આટલે જ અટકાવી દેવા અનેક વખત, આકરા શબ્દોમાં કહ્યું હતું, તેને સલાહ આપી હતી કે, તે પરમાણુ કરાર મુદ્દે સમાધાન કરે. નહીં તો તમે જે જાણો છો, અપેક્ષા છે, તેના કરતાં પણ વધુ માઠા પરિણામો ભોગવવા પડશે.
મોટાપાયે જાનહાનિ થશે. હજી પણ સમય છે, આ માનવસંહાર થતાં રોકી લો. નહીં તો આગામી હુમલાઓ આના કરતાં પણ વધુ ભયાવહ હશે અને તે તબાહી મચાવશે. ઈરાન પાસે હજી પણ તક છે તેનો ન્યુક્લિઅર પ્રોગ્રામ અટકાવી દે અને ઈરાનના સામ્રાજ્યને નષ્ટ થતું બચાવી લે.
ટ્રમ્પે આગળ કહ્યું કે, અમેરિકા દુનિયામાં અત્યારસુધી સૌથી શ્રૈષ્ઠ અને સૌથી ઘાતક ડિફેન્સ હથિયારો બનાવે છે. ઇઝરાયલ પાસે તેનો વિશાળ પ્રમાણમાં ભંડાર છે. આગામી સમયમાં ઇઝરાયલ તેનો ઉપયોગ કરી શકે છે. ન્યૂક્લિઅર ડીલ મુદ્દે ઈરાનના ટોચના નેતાઓ બહાદુરીપૂર્વક વાતો કરતા હતા, પરંતુ તેમને ખબર ન હતી, આગળ શું બનશે. તે તમામ માર્યા ગયા અને આગળ સ્થિતિ વધુ ભયાવહ બનશે. મોટાપ્રમાણમાં માનવસંહાર અને વિનાશ થઈ ચૂક્યો છે. ઈરાન આ વિનાશને હજી પણ અટકાવી શકે છે.
ટ્રમ્પનું આ નિવેદન ઈરાનના સુપ્રીમો આયતુલ્લા અલી ખામેનેઈની ભીષણ હુમલાની ચીમકી બાદ આવ્યું છે. ખામેનેઈએ ઇઝરાયલના હુમલાની નિંદા કરતાં ધમકી આપી હતી કે, ઇઝરાયલે હવે આ હુમલાના માઠા પરિણામ ભોગવવા પડશે. ઇઝરાયલે ઈરાન વિરુદ્ધ લોહિયાળ જંગ શરુ કરી છે. હવે ઇઝરાયલે તેના ઘાતક પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે. ઇઝરાયલના હુમલામાં અમારા અનેક કમાન્ડર અને પરમાણુ વિજ્ઞાની માર્યા ગયા છે. ઈશ્વર તેમના આત્માને શાંતિ અર્પે. હું ઇચ્છું છું કે, તેમના ઉત્તરાધિકારી અને સહકર્મી કોઈપણ વિલંબ વિના જવાબી કાર્યવાહી શરુ કરે.
ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુએ જણાવ્યા અનુસાર, ઈરાનની ન્યૂક્લિયર પ્રોગ્રામ માટેની તૈયારીઓને ધ્યાનમાં લેતાં ઇઝરાયલે સૈન્ય ગતિવિધિઓમાં વધારો કર્યો છે. ઈરાનના આ પરમાણુ હુમલાથી વિશ્વમાં ગંભીર અસરો થવાની ભીતિ પણ સર્જાઈ છે. ઇઝરાયલે ગઈકાલે રાત્રે ઈરાનના વિવિધ સ્થળો પર હુમલા કર્યા હતાં. જેમાં ઈરાનના આર્મી ચીફ મોહમ્મદ બઘેરી અને કમાન્ડર ઇન ચીફ હુસૈન સલામી માર્યા ગયા હોવાનો દાવો ઇઝરાયલે કર્યો હતો.