Last Updated on by Sampurna Samachar
ઈરાન ધીમે-ધીમે વિનાશની વ્યાપકતા સ્વીકારી રહ્યું છે
૧૨ દિવસના ભીષણ યુદ્ધમાં ૧૦૬૦ લોકોના ગયા જીવ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઈરાનની સરકારે ઈઝરાયલ સાથે ૧૨ દિવસ ચાલેલા ભીષણ યુદ્ધમાં થયેલા નુકસાનનો આંકડો જાહેર કર્યો છે. આ યુદ્ધમાં ઓછામાં ઓછા ૧૦૬૦ લોકો માર્યા ગયા છે. જોકે, આ આંકડો વધવાની શક્યતા છે. ઈરાનના ફાઉન્ડેશન ઓફ માર્ટર એન્ડ વેટરન્સ અફેર્સના પ્રમુખ સઈદ ઓહાદીએ ઈરાનની સરકારી ટીવી પર પ્રસારિત ઈન્ટરવ્યૂમાં મૃતકોની સંખ્યા વિશે માહિતી આપી હતી. ઓહાદીએ ચેતવણી આપી હતી કે, અમુક લોકો ગંભીર રૂપે ઘાયલ છે. જેથી મૃતકોનો આંકડો વધવાની ભીતિ છે.
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ૧૨ દિવસ ભીષણ યુદ્ધ ચાલ્યું હતું. જેમાં બંને દેશોએ એકબીજા પર ડ્રોન અને મિસાઈલ્સ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઈરાનની એર ડિફેન્સ પ્રણાલી નષ્ટ કરવામાં આવી હતી. યુદ્ધવિરામ લાગૂ થયા બાદ ઈરાન ધીમે-ધીમે વિનાશની વ્યાપકતા સ્વીકારી રહ્યું છે.
૧૨ દિવસના સંઘર્ષ બાદ બંને દેશ વચ્ચે સીઝફાયર થયુ
ઈરાને અત્યારસુધી આ યુદ્ધમાં તેની સેનાને કેટલું નુકસાન થયુ છે. તે જણાવ્યું નથી. વોશિંગ્ટન સ્થિત માનવાધિકાર કાર્યકર્તાના જૂથે જણાવ્યું હતું કે, ૪૩૬ નાગરિક અને સુરક્ષાદળોના ૪૩૫ જવાનો સહિત કુલ ૧૧૯૦ લોકો માર્યા ગયા છે. હુમલામાં ૪૪૭૫ લોકો ઘાયલ છે.
ગતમહિને ૧૩ જૂનના રોજ ઈઝરાયલે ઈરાન પર મોટો હુમલો કર્યો હતો. ત્યારબાદ બંને દેશો વચ્ચે ભીષણ યુદ્ધ છેડાયુ હતું. આ યુદ્ધમાં ઈરાનના પરમાણુ ઠેકાણાં, બેલેસ્ટિક મિસાઈલ યુનિટ, ટોચના જનરલના નિવાસો, અને બે ડઝનથી વધુ પરમાણુ વૈજ્ઞાનિકોને ટાર્ગેટ બનાવ્યા હતાં. અમેરિકાએ પણ આ યુદ્ધમાં ઝંપલાવ્યું હતું. ઈરાનના ત્રણ પરમાણુ મથકો પર હુમલો કર્યો હતો. તેણે ૩૦, ૦૦૦ પાઉન્ડના બંકર બસ્ટર બોમ્બ વડે હુમલો કર્યો હતો. ૧૨ દિવસના સંઘર્ષ બાદ ઈઝરાયલ અને ઈરાન વચ્ચે સીઝફાયર કરવામાં આવ્યું હતું.