Last Updated on by Sampurna Samachar
૩૧ મહિલા સહિત ૯૭૫ વ્યક્તિઓને મોતની સજા આપી
સામાન્ય બાબતમાં પણ લોકોને આપવામાં આવી છે ફાંસીની સજા
(સંપૂર્ણ સમાચાર સેવા)
વિશ્વભરના અનેક દેશોમાં મૃત્યુ દંડની કાયદેસરતા અને નૈતિકતા પર સવાલો ઉઠી રહ્યા છે. જોકે ઈરાની સરકારની ક્રુરતાનો ભયાનક ડેટા સામે આવ્યો છે. રિપોર્ટ મુજબ ઈરાનની સરકારે ૩૧ મહિલા સહિત ૯૭૫ વ્યક્તિઓને મોતની સજા આપી છે. સરકારે ભયાનકતાની એવી હદ વટાવી છે કે, સામાન્ય બાબતમાં પણ લોકોને ફાંસી આપી રહી છે.

ઈરાને વર્ષ ૨૦૨૪માં અનેક લોકોને મોતની સજા ફટકારી હોવાનું માનવ અધિકાર જૂથો ખુલાસો કર્યો છે. દાવા મુજબ ઈરાને મૃત્યુદંડનો ઉપયોગ કરીને ઓછામાં ઓછા ૯૭૫ લોકોને મોત આપી છે. નોર્વે સ્થિત ઈરાન હ્યુમન રાઈટ્સ અને ફ્રાન્સના ટુગેધર અગેઈન્સ્ટ ધ ડેથ પેનલ્ટીએ કહ્યું કે, ‘અમારા દ્વારા વર્ષ ૨૦૦૮માં ડેટા એકત્ર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવ્યા બાદ વર્ષ ૨૦૨૪નો આ સૌથી ભયાનક ડેટા છે.’
રિપોર્ટ મુજબ, ઈરાનમાં ૨૦૨૪માં મૃત્યુદંડનો ઉપયોગ કરવામાં ભયાનક વૃદ્ધિ થઈ છે. ઈરાનમાં રાજકીય ખુન્નસ કાઢવા માટે મૃત્યુદંડનો ઉપયોગ કરવામાં આવે છે. IHR ના નિદેશક મહમૂદ અમીરી મોગદ્દામે કહ્યું કે, ‘ઈરાનની સરકારે પોતાની સત્તા જાળવી રાખવા માટે પોતાના લોકો વિરુદ્ધ મૃત્યુદંડનો ઉપયોગ કર્યો. ઈરાન-ઈઝરાયલ વચ્ચે યુદ્ધની સંભાવનાઓ દરમિયાન વર્ષના અંતિમ ત્રણ મહિનામાં સરેરાશ દૈનિક પાંચ લોકોને મૃત્યુદંડની સજા અપાઈ છે.’રિપોર્ટ મુજબ વર્ષ ૨૦૨૩માં મૃત્યુદંડના ૮૩૪ કેસ નોંધવામાં આવ્યા હતા, જોકે આ વર્ષે તેમાં ૧૭ ટકાનો વધારો થયો છે. વર્ષ ૨૦૨૪માં ૩૧ મહિલાઓ સહિત ૯૭૫ લોકોને મૃત્યુદંડ અપાયો, જેમાંથી ચાર લોકોને જાહેરમાં ફાંસી અપાઈ હતી.’
માનવ અધિકાર જૂથે કહ્યું કે, ઈરાને સૌથી વધુ મોતની સજા આપવામાં ચીન જેવા ડિક્ટેટર દેશને પણ પાછળ છોડી દીધું છે. એવું કહેવાય છે કે, હત્યા, દુષ્કર્મ અને નશીલી દવાઓની હેરાફેરી જેવા કેસોમાં મૃત્યુદંડની સજા આપવામાં આવે છે. જોકે હવે ભ્રષ્ટાચાર અને વિદ્રોહ જેવા મુદ્દે પણ મૃત્યુદંડના મામલા વધ્યા છે. ગત વર્ષે વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનારા બે લોકોને મોતની સજા સંભળાવવામાં આવી હતી. આઈએચઆરના આંકડા મુજબ ઈરાને આ વર્ષે ઓછામાં ઓછા ૧૨૧ લોકોને ફાંસી આપી દીધી છે.