Last Updated on by Sampurna Samachar
અગાઉ ટ્રમ્પે ઇરાનને ખતમ કરી દેવાની આપી હતી ધમકી
બંને દેશો વચ્ચે ૧૨ દિવસ સુધી લડાઈ ચાલુ રહી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઈરાન અને પશ્ચિમી દેશો વચ્ચે પરમાણુ કાર્યક્રમને લઈને તણાવ યથાવત જોવા મળી રહ્યો છે. કહેવા માટે તો ઈઝરાયલ અને ઈરાન વચ્ચે સીઝફાયર થઈ ગયું છે, પરંતુ વાકયુદ્ધ હજુ પણ ચાલુ જ છે. ઈરાન અને અમેરિકા વચ્ચે આ વાકયુદ્ધ ફરી એક વાર ગંભીર બન્યુ છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ અમેરિકાને સીધી ધમકી આપતા કહ્યું કે, ‘જો અમેરિકા કે ઈઝરાયલ ફરીથી ઈરાનના પરમાણુ ઠેકાણા પર હુમલો કરશે તો તેનો જડબાતોડ જવાબ આપીશું.
ઈરાનના વિદેશ મંત્રીની આ પ્રતિક્રિયા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એ નિવેદન બાદ આવી છે, જેમાં તેમણે ધમકી આપી હતી કે, જો ઈરાન ફરીથી પરમાણુ પ્લાન્ટ શરૂ કરશે તો અમેરિકા તેને ખતમ કરી દેશે. ડોનાલ્ડ ટ્રમ્પના આ નિવેદન બાદ અરાઘચીએ X પર પોસ્ટ કરીને કહ્યું કે, ‘જો બીજી વાર આવો આક્રમક હુમલો કર્યો તો અમે પહેલા કરતા વધુ નિર્ણાયક અને કઠોર જવાબ આપીશું.
બંને દેશો વચ્ચે તણાવ ઓછો નથી થઈ રહ્યો
રાજદ્વારી જ એકમાત્ર રસ્તો છે, ધમકીઓ નહીં.‘ઈરાન અમેરિકા પર એટલા માટે ભડક્યું કારણ કે, અમેરિકાએ ૨૨ જૂને ઓપરેશન મિડનાઈટ હેમર હેઠળ ઈરાનના ત્રણ મુખ્ય પરમાણુ ઠેકાણા પર બંકર-બર્સ્ટર બોમ્બથી હુમલો કર્યો હતો.
આ હુમલામાં નાતાન્ઝ, ફોર્ડો અને ઈસ્ફહાન જેવા મોટા પરમાણુ ઠેકાણાને મોટું નુકસાન થયું હતું. ત્યારબાદ અમેરિકાએ ઈરાન વિરુદ્ધ પોતાના નિવેદનો ચાલુ રાખ્યા છે. જ્યાં પણ તક મળી ત્યાં ટ્રમ્પ ઈરાનના પરમાણુ કાર્યક્રમનો ખાતમો કરવાની અને તેના પર ફરીથી હુમલો કરવાની ધમકી આપતા જોવા મળ્યા છે. આવી સ્થિતિમાં ઈરાન પણ તેમને જડબાતોડ જવાબ આપી રહ્યું છે.
ઈઝરાયલે ઈરાનના પરમાણુ કાર્યક્રમને પોતાના અસ્તિત્વ પર ખતરો જણાવતા તેની વિરુદ્ધ ઓપરેશન રાઈઝિંગ લાયન લોન્ચ કર્યું હતું. તેમાં ૨૦૦ થી વધુ ફાઈટર પ્લેનોએ ૧૦૦ થી વધુ ટાર્ગેટ પર ૩૩૦ બોમ્બ અને મિસાઈલો છોડી હતી. તેમાં ઈંધણ પ્લાન્ટ, સેન્ટરફ્યુઝ વર્કશોપ, મિસાઈલ બેઝ અને કમાન્ડ સેન્ટર સામેલ હતા.
ત્યારબાદ બંને દેશો વચ્ચે ૧૨ દિવસ સુધી લડાઈ ચાલુ રહી અને પછી સીઝફાયર થઈ ગયું. જોકે, ઈરાન હજુ પણ પોતાના પરમાણુ કાર્યક્રમને રોકવા તૈયાર નથી. આ જ કારણ છે કે, બંને દેશો વચ્ચે તણાવ ઓછો નથી થઈ રહ્યો. પરિસ્થિતિ ગંભીર છે અને વિશ્વની નજર હવે તેના પર ટકેલી છે કે શું બંને આ મુદ્દાને વાતચીત દ્વારા ઉકેલશે કે સંઘર્ષની પરિસ્થિતિ ઊભી થશે.