Last Updated on by Sampurna Samachar
ભારત પાસે ૨૫ દિવસનો ક્રૂડ ઓઈલ સ્ટોક ઉપલબ્ધ
ભારતનો વ્યૂહાત્મક પેટ્રોલિયમ રિઝર્વ વૈશ્વિક ઉથલપાથલના સમયે ૭૪ દિવસની માંગને પૂરી કરી શકે તેટલો સક્ષમ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકા-ઇઝરાયલના હવાઈ હુમલા બાદ ઈરાન સાથે વધતા તણાવ અને મધ્ય-પૂર્વમાં ફાટી નીકળેલા યુદ્ધ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. સરકારી સૂત્રોએ દાવો કર્યો કે, ક્રૂડ ઓઈલ અને ગેસના પુરવઠા બાબતે ભારત હાલ સુરક્ષિત સ્થિતિમાં છે. સુત્રોએ દાવો કર્યો કે, “ક્રૂડ ઓઈલ, , LPG અને LNG ના સંદર્ભમાં આપણે અત્યારે ઘણી સારી સ્થિતિમાં છીએ. આપણી પાસે ક્રૂડ ઓઈલનો ૨૫ દિવસનો રિઝર્વ સ્ટોક છે અને અન્ય ૨૫ દિવસનો સ્ટોક ટ્રાન્ઝિટમાં છે.”

ગત્ત મહિને તેલ મંત્રી હરદીપ સિંહ પુરીએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે, ભારતનો વ્યૂહાત્મક પેટ્રોલિયમ રિઝર્વ વૈશ્વિક ઉથલપાથલના સમયે ૭૪ દિવસની માંગને પૂરી કરી શકે તેટલો સક્ષમ છે. તેમણે ઉમેર્યું કે, “અમે અમારા અનામત જથ્થાની ગણતરી માત્ર સ્ટોરેજ ગુફાઓ માં જ નહીં પરંતુ રિફાઇનરીઓમાં રહેલા જથ્થાના આધારે પણ કરીએ છીએ.
હોર્મુઝની ખાડી ઈરાને બંધ કરી દેતા ઉર્જા સંકટની વધી આશંકા
વિશ્વના કુલ તેલ પરિવહનનો પાંચમો ભાગ જ્યાંથી પસાર થાય છે તે ‘હોર્મુઝની ખાડી‘ ઈરાને બંધ કરી દેતા ઉર્જા સંકટની આશંકા વધી છે. ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના સલાહકાર ઇબ્રાહિમ જબ્બારીએ સત્તાવાર જાહેરાત કરી છે કે હોર્મુઝની સામુદ્રધુની બંધ કરી દેવામાં આવી છે. ઈરાને ચેતવણી આપી છે કે, જે પણ પસાર થવાનો પ્રયત્ન કરશે તેને અમારી નેવી દ્વારા તબાહ કરી દેવામાં આવશે.
વધુમાં કહ્યું કે, “અમે આ પ્રદેશની પાઇપલાઇન્સ પણ નિષ્ક્રિય કરી દઈશું અને તેલની નિકાસ થવા દઈશું નહીં. અમે તેલનું એક ટીપું પણ પહોંચવા દઈશું નહીં.”હોર્મુઝની ખાડીમાં સામાન્ય રીતે દરરોજ ૧૦૦ થી વધુ જહાજાે પસાર થાય છે, પરંતુ રવિવારે માત્ર ૩ અને સોમવારે માત્ર ૧ ટેન્કર પસાર થઈ શક્યું હતું. ખાડી પાર કરવાનો પ્રયાસ કરી રહેલા ઓછામાં ઓછા ૬ જહાજાે પર હુમલો કરવામાં આવ્યો છે.
હાલમાં આ ખાડીની બંને બાજુ ૭૦૦ થી વધુ ટેન્કરો અટવાયેલા છે. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનેઈ અને સૈન્ય નેતૃત્વના હવાઈ હુમલામાં મોત બાદ ઈરાને આ કડક પગલું ભર્યું છે. જેના કારણે અત્યાર સુધીમાં લગભગ ૯૦% ક્રૂડ ટ્રાફિક અટકી ગયો છે.