Last Updated on by Sampurna Samachar
પાકિસ્તાને અમેરિકા હુમલા બાદ કરી ટીકા
ટ્રમ્પે પાકિસ્તાનને ખાસ મિત્ર કહીને વખાણ કર્યા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઈઝરાયલ-ઈરાનના યુદ્ધમાં અમેરિકાની એન્ટ્રી થતા ભયાનક સ્થિતિ ઉભી થઈ છે. બંને દેશો ઈરાન પર ધડાધડ મિસાઈલ અને ડ્રોન હુમલાઓ કરી રહ્યા છે. અમેરિકાએ ઈરાનના ત્રણ મુખ્ય પરમાણુ સ્થળો પર હુમલા કર્યા છે, જેના કારણે પાકિસ્તાને અમેરિકાની ટીકા કરી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી છે કે, ‘અમેરિકાએ એરસ્ટ્રાઈક કરી આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. સંયુક્ત રાષ્ટ્રના નિયમો મુજબ ઈરાનને પોતાની સુરક્ષા કરવાનો સંપૂર્ણ અધિકાર છે.’
પાકિસ્તાને કહ્યું કે, ‘વર્તમાનમાં મધ્ય-પૂર્વમાં ભયંકર સ્થિતિ ઉભી થઈ છે, જેના કારણે અમે ચિંતિત થયા છીએ. હુમલાની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક હોવાથી મધ્ય-પૂર્વમાં ભયાનક અસર ઉભી થશે. આ હુમલા આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે અને ઈરાનને પોતાની રક્ષા કરવાનો અધિકાર છે.’
પાકિસ્તાને અમેરિકાની એર સ્ટ્રાઇકનો કર્યો વિરોધ
અમેરિકાની ઈરાન વિરુદ્ધની રણનીતિનો વિરોધ કરી રહેલા પાકિસ્તાનની ચોંકાવનારી વાત એ છે કે, થોડા દિવસ પહેલા ટ્રમ્પ અને પાકિસ્તાની સેનાના જનરલ આસીમ મુનીર વચ્ચે વ્હાઈટ હાઉસમાં ડીનર પાર્ટી યોજાઈ હતી. ટ્રમ્પે પાકિસ્તાનને ખાસ મિત્ર કહીને વખાણ કર્યા હતા. ત્યારબાદ યુદ્ધમાં પાકિસ્તાન પણ કોઈ ભૂમિકા ભજવે, તેવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
એક દિવસ પહેલા પાકિસ્તાન સરકારે વર્ષ ૨૦૨૬ના શાંતિ માટેના નોબલ પુરસ્કાર માટે ટ્રમ્પના નામની ભલામણ કરી હતી. પાકિસ્તાને કહ્યું હતું કે, ‘ટ્રમ્પે ભારત-પાકિસ્તાન જંગમાં રાજદ્વારી હસ્તક્ષેપ કરીને મહત્ત્વનો ભાગ ભજવ્યો છે, તેથી અમે શાંતિ નોબલ પુરસ્કાર માટે ટ્રમ્પનું નામનો પ્રસ્તાવ મુકવાનો ર્નિણય કર્યો છે.
હવે પાકિસ્તાને અમેરિકાની ઈરાન પરની એરસ્ટ્રાઈકનો વિરોધ કર્યો છે અને તેને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યો છે. પાકિસ્તાન અને ઈરાન વચ્ચે કુલ ૯૦૦ કિલોમીટર લાંબી સરહદ છે. પાકિસ્તાને ઈરાન-ઈઝરાયલનું યુદ્ધ બંધ કરવાનું આહવાન કર્યું હતું. પાકિસ્તાને કહ્યું હતું કે, ‘સૈન્ય ઘર્ષણ નહીં, પરંતુ ડિપ્લોમેસી જ એકમાત્ર રસ્યો છે.’
અમેરિકાએ ઈરાનના ત્રણ પરમાણુ ઠેકાણા પર એર સ્ટ્રાઈક કરી છે. જેનાથી વૈશ્વિક સ્તરે ત્રીજા વિશ્વ યુદ્ધની ભીતિ વધી છે. અમેરિકાના બી૨ બોમ્બર્સે ફોર્ડો, નાતાન્ઝ અને ઈસ્ફહાનમાં પરમાણુ ઠેકાણાને નિશાન બનાવ્યા હતા.
અમેરિકાએ આ ઓપરેશન માટે અત્યાધુનિક બી-૨ સ્પિરિટ સ્ટીલ્થ બોમ્બર્સનો ઉપયોગ કર્યો હતો, જે અમેરિકાની વાયુસેનાના સૌથી એડવાન્સ વ્યૂહાત્મક પ્લેટફોર્મમાં ગણાય છે. આ ત્રણેય ઠેકાણામાં ફોર્ડો સૌથી મહત્ત્વપૂર્ણ ગણાય છે, કારણ કે તે સૌથી સુરક્ષિત પરમાણુ મથક હતું. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ફોર્ડો પર વિમાને બોમ્બનો આખો પેલોડ વરસાવ્યો છે.