Last Updated on by Sampurna Samachar
ત્રણ લોકોને ફાંસીની સજા તો ૭૦૦ની ધરપકડ કરાઇ
ઈરાને ઇઝરાયલ માટે કામ કરનારાઓને પકડવા કાર્યવાહી હાથ ધરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઈરાન અને ઇઝરાયલ વચ્ચે સીઝફાયર થવા છતાં પણ તણાવ ઓછો થયો નથી. જ્યાં ઈરાને ફરી ત્રણ લોકોને ઇઝરાયલ માટે જાસૂસી કરવા અને હત્યાનું ષડયંત્ર રચવાના આરોપમાં ફાંસીની સજા ફટકારી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈદરીસ અલી, આઝાદ શોજાઈ અને રસૂલ અહમદ રસૂલને હત્યાના ષડયંત્રમાં જરૂરી હથિયારો ઈરાનમાં લાવવાનો પ્રયાસ કરવા બદલ સજા ફટકારવામાં આવી છે. આ મામલે તેમની વિરુદ્ધ કેસ થયો હતો અને સવારે ઉરમિયા શહેરમાં તેમને ફાંસીની સજા આપવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર ઈરાનના ઉત્તર-પશ્ચિમ શહેર ઉરમિયાની જેલમાંથી ત્રણેય આરોપીની તસવીરો જાહેર કરવામાં આવી હતી. આ શહેર તુર્કિયેની સરહદ નજીક છે. ઈરાન અવારનવાર ઇઝરાયલ અને અન્ય વિદેશી ગુપ્તચર એજન્સીઓ માટે જાસૂસી કરવાની શંકામાં લોકોની ધરપકડ કરી ફાંસીની સજા ફટકારે છે.
સીઝફાયરના ભંગથી અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ નારાજ
ઈરાને છેલ્લા ૧૨ દિવસથી ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં ઇઝરાયલ સાથે સંબંધ હોવાના આરોપમાં આશરે ૭૦૦ લોકોની ધરપકડ કરી છે. આ માહિતી ઈરાનની સ્થાનિક મીડિયા એજન્સીએ આપી હતી. આ તમામ પર ઇઝરાયલની ઈન્ટેલિજન્સ એજન્સી મોસાદ સાથે સંબંધ, ગુપ્ત જાણકારી આપવા બદલ, સૈન્ય મથકોને નિશાન બનાવવામાં મદદ કરવાનો આરોપ મૂકાયો છે. તમામની પૂછપરછ થઈ રહી છે. તેમને પણ ફાંસીની સજા ફટકારવામાં આવી શકે છે. ઈરાને ઇઝરાયલ માટે કામ કરનારાઓને પકડવા માટે કડક કાર્યવાહી હાથ ધરી છે.
ઈરાન અને ઇઝરાયલે છેલ્લા ૧૨ દિવસથી ચાલી રહેલા ભીષણ યુદ્ધ પર સીઝફાયર કર્યું હતું. જોકે, સીઝફાયરની જાહેરાતના થોડા કલાકોમાં જ ઈરાને ઇઝરાયલ પર હુમલો કર્યો હતો. બીજી તરફ ઇઝરાયલે પણ વળતો જવાબ આપતાં તેહરાનમાં બે એરસ્ટ્રાઇક કરી હતી. બંને દેશો દ્વારા સીઝફાયરનો ભંગ કરાતા અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ નારાજ થયા હતા. ઉલ્લેખનીય છે, ટ્રમ્પે જ વહેલી સવારે બંને દેશો વચ્ચે સીઝફાયર થયું હોવાની જાહેરાત આપી હતી.