બેટિંગ દરમિયાન પગમાં મચકોડ આવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
રોહિત શર્મા, શુભમન ગિલ, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા, યશસ્વી જયસ્વાલ સહિત દિગ્ગજ ખેલાડીઓ હાલ રણજી ટ્રોફીમાં વ્યસ્ત છે. આ ટૂર્નામેન્ટમાં ઓલરાઉન્ડર વેંકટેશ અય્યર ઈજાગ્રસ્ત થતાં કોલકાતા નાઈટ રાઈડર્સની મુશ્કેલીઓ વધી છે. બેટિંગ દરમિયાન પગમાં મચકોડ આવી જતાં અય્યર ઈજાગ્રસ્ત થયો હતો.
રણજી ટ્રોફીમાં મધ્યપ્રદેશ તરફથી કેરળ વિરુદ્ધ મેચ રમતી વખતે અય્યરના પગમાં મચકોડ આવી ગઈ હતી. મેદાનમાં ફિઝિયો ટ્રીટમેન્ટ મળી હોવા છતાં દુખાવો વધતાં મેદાન છોડી બહાર જવું પડ્યું હતું. અય્યર ત્રણ બોલમાં માત્ર બે જ રન બનાવી શક્યો હતો. બાદમાં ઈજા થતાં તે ડ્રેસિંગ રૂમમાં પરત ફર્યો હતો.
વેંકટેશ અય્યર IPL નો સૌથી મોંઘા ખેલાડીઓ પૈકી એક છે. કોલકાતા નાઇટ રાઇડર્સે તેને ૨૧ માર્ચથી શરુ થનારી IPL સીઝન માટે રૂ. ૨૩.૭૫ કરોડમાં ખરીદ્યો હતો. જોકે, અય્યરને ઈજા થતાં તે IPL સીઝનમાં રમી શકશે કે નહીં, તે મુદ્દે ચિંતા વધી છે.
રણજી ટ્રોફીમાં કેરળે ટોસ જીતી બોલિંગ કરવાનો ર્નિણય લીધો હતો. તેણે મધ્યપ્રદેશના બેટર્સને રન માટે હંફાવ્યા હતા. મધ્યપ્રદેશે ૪૯ રનમાં જ ચાર વિકેટ ગુમાવી દીધી હતી. કેરળના એમ નિધેશે મધ્યપ્રદેશના ઓપનર હર્ષ ગવલીને સાત રન પર અને હિમાંશુ મંત્રીને ૧૫ રન પર આઉટ કર્યા હતા. રજત પાટીદારને ખાતું પણ ખોલવા દીધું ન હતું, ત્યારબાદ સારાંશ જૈનને ૮ રન પર પેવેલિયન મોકલ્યો હતો. આ સિવાય સરવટેએ આર્યન પાંડે અને કુમાર કાર્તિકેય સિંહની વિકેટ લીધી હતી.