Last Updated on by Sampurna Samachar
ગુજરાત ટાઇટન્સની ટીમ પોઇન્ટ ટેબલ પર ટોચ પર
ચોથા સ્થાન માટે જબરદસ્ત હરીફાઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
IPL ૨૦૨૫ હવે તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે. પ્લેઓફની ત્રણ ક્વોલિફાયર ટીમો નક્કી થઈ ગઈ છે પરંતુ ચોથા સ્થાન માટે જબરદસ્ત હરીફાઈ ચાલી રહી છે. હાલ પોઈન્ટ ટેબલમાં ગુજરાત ટાઈટન્સ ટોચ પર છે તો એના સિવાય રોયલ ચેલેન્જર્સ બેંગાલુરુ અને પંજાબ કિંગ્સ ક્વોલિફાય થનાર અન્ય બે ટીમો છે.
ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાયેલી મેચમાં ગુજરાત ટાઇટન્સનો ૧૦ વિકેટથી ભવ્ય વિજય થયો હતો. પ્રથમ બેટિંગ કરતાં દિલ્હી કેપિટલ્સની ટીમે ૨૦ ઓવરમાં ૩ વિકેટ ગુમાવીને ૧૯૯ રન બનાવ્યા હતા. જેના જવાબમાં ગુજરાત ટાઈટન્સ તરફથી સાંઇ સુદર્શને ૬૧ બોલમાં અણનમ ૧૦૧ રન અને શુભમન ગિલે ૫૩ બોલમાં અણનમ ૯૩ રન બનાવીને ગુજરાતને ભવ્ય જીત અપાવી હતી. આ જીત સાથે જ ગુજરાત ટાઇટન્સની ટીમ પોઇન્ટ ટેબલ પર ટોચ પર આવી ગઇ છે. આ ઉપરાંત GT , RCB અને PBKS ની ટીમ પ્લેઓફમાં ક્વોલિફાઇ થઇ ગઇ છે.
બંને મેચો જીતીને ક્વોલિફાય થઈ શકે
હાર્દિક પંડયાની આગેવાનીમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમને ક્વોલિફાય થવા માટે બાકીની બંને મેચો જીતવી પડશે. અથવા જો તેઓ દિલ્હીને હરાવે અને લખનઉ હવે પછીની ત્રણમાંથી એક મેચ હારે તો પણ તેઓ ક્વોલિફાય કરી શકશે.
દિલ્હી કેપિટલ્સ IPL ૨૦૨૫ ની શરૂઆત દિલ્હીની ટીમે જબરદસ્ત રીતે કરી હતી અને પ્રથમ ચારેય મેચ જીતી લીધી હતી. અડધી સિઝન સુધી તેઓ પોઈન્ટ ટેબલમાં પણ ટોપ પર રહ્યા હતા. પરંતુ છેલ્લી આઠમાથી પાંચ મેચોમાં પરાજયના કારણે હવે આ ટીમ એલિમિનેટ થઈ શકે એમ છે. હવે પછીની બંને મેચો જીતીને ક્વોલિફાય થઈ શકે છે.
લખનઉ સુપર જાયન્ટ્સ લખનઉની ટીમ માટે ક્વોલિફાય થવાના ચાન્સ ખૂબ ઓછા છે. પરંતુ જો હવેની તમામ મેચો તેઓ જીતી લે અને દિલ્હી તથા મુંબઇના પોઈન્ટ ઓછા રહે તો તેના માટે પણ ક્વોલિફાય થવાની તકો ઊભી થશે.