ખેલાડીઓની શિસ્ત સંબંધિત ઘણાં નિયમોને કડક કરવામાં આવ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
આગામી IPL ૨૦૨૫ ના મેગા ઓક્શન પછી હવે ચાહકો લીગની શરૂઆત થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. IPL ૨૦૨૫ માર્ચના છેલ્લા અઠવાડિયામાં શરૂ થવાની આશા છે. જોકે, BCCI ના ઉપાધ્યક્ષ અને ભૂતપૂર્વ IPL ચેરમેન રાજીવ શુક્લાએ જણાવ્યું હતું કે, IPL ૨૩ માર્ચથી પણ શરૂ થઈ શકે છે. આ સિવાય મહિલા પ્રીમિયર લીગ ચાર અલગ અલગ શહેરોમાં આયોજિત કરવામાં આવશે. IPL શરૂ થાય તે પહેલા મેદાન પર ખેલાડીઓની શિસ્ત સંબંધિત ઘણાં નિયમોને કડક કરવામાં આવ્યા છે.
આગામી ૨૦૨૫ની IPL સિઝનમાં મેદાન પર ખેલાડીઓની શિસ્તભંગના નિયમો કડક બનાવાયા છે. હવે IPL માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) ની આચારસંહિતાનું પાલન કરવામાં આવશે. ત્યારે ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં આ મહત્ત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો હતો. આ અંતર્ગત ખેલાડીઓને લેવલ ૧, ૨ અને ૩ ના ઉલ્લંઘન માટે ICC નિયમો અનુસાર સજા કરવામાં આવશે. ગવર્નિંગ કાઉન્સિલના એક સભ્યે જણાવ્યું હતું કે, ‘હવેથી IPL ICC ની T 20 Iની શરતોનું પાલન કરવામાં આવશે. પહેલા લીગના પોતાના નિયમો હતા. પરંતુ હવે ICC દ્વારા નિર્ધારિત આચારસંહિતા લાગુ કરવામાં આવશે.’
ગત સિઝનમાં ૧૦ ખેલાડીઓ પર આચારસંહિતાના ઉલ્લંઘન બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો. સૌથી વધુ ચર્ચામાં રહેલો કેસ કોલકાતા નાઈટ રાઈડર્સના બોલર હર્ષિત રાણાનો હતો. તેણે સનરાઇઝર્સ હૈદરાબાદના બેટર મયંક અગ્રવાલને આઉટ કર્યા પછી ફ્લાઇંગ કિસ આપીને નિયમોનો ભંગ કર્યો. આ માટે તેને મેચ ફીના ૬૦ ટકાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત હર્ષિતે દિલ્હી કેપિટલ્સ સામે પણ ઉલ્લંઘન કર્યું હતું. જેમાં તેની ઉજવણીને ‘ખૂબ આક્રમક’ માનવામાં આવી હતી. આ માટે તેને મેચ ફીના ૧૦૦ ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો અને આગામી મેચમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. આમ છતાં, હર્ષિત આ IPL ૨૦૨૪ માં અનકેપ્ડ બોલરોમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર રહ્યો હતો.