મુંબઈના નેટ બોલર રહી ચૂક્યો છે ગઝનફર
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ ઈન્ડિયન્સે IPL ૨૦૨૫ મેગા ઓક્શનમાં મોટો ર્નિણય લીધો. મુંબઈએ અફઘાનિસ્તાનના અલ્લાહ ગઝનફરને ખરીદ્યો છે. તે માત્ર ૧૮ વર્ષનો છે. ગઝનફરને મુંબઈએ ૪.૮૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. જ્યારે તેમની બેઝ પ્રાઈઝ ૭૫ લાખ રૂપિયા હતી. ગઝનફરનો ઘરેલુ રેકોર્ડ સારો રહ્યો છે. તે અગાઉ મુંબઈ ઈન્ડિયન્સના નેટ બોલર પણ રહી ચૂક્યા છે.
ગઝનફર પર પહેલી બોલી કોલકાતા નાઈટ રાઈડર્સે લગાવી હતી. ત્યારબાદ RCB પણ સ્પર્ધામાં જોડાઈ ગઈ. પરંતુ RCB એ છેલ્લી બોલી ૨ કરોડ રૂપિયા સુધી લગાવી. KKR ની વાત કરીએ તો તેણે ૪.૬૦ કરોડ રૂપિયા સુધીની છેલ્લી બોલી લગાવી. પરંતુ અંતે મુંબઈએ બાજી મારી લીધી. મુંબઈએ તેમને ૪.૮૦ કરોડ રૂપિયામાં ખરીદ્યા.
અલ્લાહ ગઝનફરનો અત્યાર સુધીનો રેકોર્ડ સારો રહ્યો છે. તે મુંબઈ ઈન્ડિયન્સના નેટ બોલર રહી ચૂક્યા છે. પરંતુ વિઝા ન મળવાના કારણે ભારત આવી શક્યા ન હતા. પરંતુ હવે તે મુંબઈની મુખ્ય ટીમનો ભાગ બનશે. તેમણે અત્યાર સુધી અફઘાનિસ્તાન માટે ૮ વનડે મેચ રમ્યા છે. આ દરમિયાન ૧૨ વિકેટ ઝડપી છે. તે લિસ્ટ એના ૧૨ મેચોમાં ૧૬ વિકેટ લઈ ચૂક્યા છે. જ્યારે ૧૬ ટી૨૦ મેચોમાં ૨૯ વિકેટ ઝડપી છે.
મુંબઈ ઈન્ડિયન્સે દીપક ચાહર પર પણ પૈસા ખર્ચ્યા. તેમને મુંબઈએ ૯.૨૫ કરોડ રૂપિયામાં ખરીદ્યા. ચાહરની બેઝ પ્રાઈઝ ૨ કરોડ રૂપિયા હતી. રિયાન રિકલ્ટનને ટીમે ૧ કરોડ રૂપિયામાં ખરીદ્યો. મુંબઈએ કર્ણ શર્માને ૫૦ લાખ અને રોબિન મિંજને ૬૫ લાખ રૂપિયામાં ખરીદ્યા. ટીમે નમન ધીર માટે આરટીએમનો ઉપયોગ કર્યો. તેમને ૫.૨૫ કરોડ રૂપિયા પગાર તરીકે મળશે.
મુંબઈએ સૂર્યકુમાર યાદવ, રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ અને તિલક વર્માને રિટેઈન કર્યા હતા. બુમરાહનો પગાર રિટેઈન પ્લેયર્સની યાદીમાં સૌથી વધારે છે. તેમને ૧૮ કરોડ રૂપિયા મળશે. સૂર્યા અને હાર્દિકને સરખો પગાર મળશે. તેમનો પગાર ૧૬.૩૫ કરોડ રૂપિયા છે.
IPL ૨૦૨૫ મેગા હરાજીના બીજા દિવસે આશ્ચર્યજનક ઘટના બની. અજિંક્ય રહાણે અને કેન વિલિયમ્સન સહિત ઘણા દિગ્ગજ ખેલાડીઓ પ્રથમ રાઉન્ડમાં વેચાયા નહીં. પૃથ્વી શો અને મયંક અગ્રવાલ માટે પણ કોઈએ બોલી ન લગાવી. વિલિયમ્સનની બેઝ પ્રાઈસ ૨ કરોડ રૂપિયા હતી. જ્યારે રહાણેની બેઝ પ્રાઈસ ૧.૫૦ કરોડ રૂપિયા હતી. પૃથ્વી શોની બેઝ પ્રાઈસ માત્ર ૭૫ લાખ રૂપિયા હતી. પૃથ્વી ટીમ ઈન્ડિયાથી બહાર થયા બાદ ડોમેસ્ટિક ટીમમાંથી પણ બહાર થયા હતા. તેમની વિરુદ્ધ એક્શન પણ લેવામાં આવ્યું હતું.