Last Updated on by Sampurna Samachar
આ નંબર પર તેજસ્વીએ ૨૦૧૫ અને ૨૦૨૦ ની ચૂંટણી લડી
લોકશાહી પર હુમલો ગણાવ્યો અને કમિશન પર સવાલ ઉઠાવ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા રાષ્ટ્રીય જનતા દળ (RJD) ના નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ એક નવા વિવાદમાં ફસાઈ ગયા છે. તેજસ્વી પર બે અલગ અલગ મતદાર ઓળખ કાર્ડ હોવાનો આરોપ છે. ચૂંટણી પંચે આ મામલાની તપાસ શરૂ કરવાનો ર્નિણય લીધો છે.
વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે તેજસ્વીએ દાવો કર્યો કે તેમનું નામ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હેઠળ બહાર પાડવામાં આવેલી ડ્રાફ્ટ મતદાર યાદીમાં નથી. તેજસ્વીએ પટનામાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે તેમણે ચૂંટણી પંચની વેબસાઇટ પર તેમનો EPIC નંબર (RAB૨૯૧૬૧૨૦) શોધ્યો, પરંતુ કોઈ રેકોર્ડ મળ્યો નથી એવો સંદેશ આવ્યો. તેમણે તેને લોકશાહી પર હુમલો ગણાવ્યો અને કમિશન પર સવાલ ઉઠાવ્યા.
હંગામી ધોરણે સસ્પેન્ડ કરવાની માંગ કરી
જોકે, ચૂંટણી પંચે તેમના દાવાને ફગાવી દીધો અને સ્પષ્ટતા કરી કે તેજસ્વીનું નામ મતદાન મથક નંબર ૨૦૪, સીરીયલ નંબર ૪૧૬ પર મતદાર યાદીમાં નોંધાયેલું છે. તેમનો માન્ય EPIC નંબર RAB0456228 છે. ચૂંટણી પંચના સૂત્રોએ જણાવ્યું હતું કે તેજસ્વીએ પત્રકાર પરિષદમાં જે EPIC નંબર RAB2916120 દર્શાવ્યો હતો તે છેલ્લા ૧૦ વર્ષના રેકોર્ડમાં ક્યાંય જોવા મળતો નથી.
પંચને શંકા છે કે આ નંબર નકલી હોઈ શકે છે અથવા ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યો હોઈ શકે છે. બીજી તરફ, EPIC નંબર RAB0456228 જેના આધારે તેજસ્વીએ ૨૦૧૫ અને ૨૦૨૦ ની વિધાનસભા ચૂંટણી લડી હતી, તે સત્તાવાર રેકોર્ડમાં હાજર છે.
ચૂંટણી પંચે કહ્યું કે જો બીજો EPIC નંબર નકલી હોવાનું જાણવા મળશે તો તે જનપ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૧ હેઠળ ગંભીર ગુનો ગણાશે. ચૂંટણી પંચ આ બાબતની સંપૂર્ણ તપાસ કરી રહ્યું છે કે શું RJD કાર્યાલયમાંથી અન્ય નકલી મતદાર બનાવવામાં આવ્યા છે કે નહીં.
બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને JDU પ્રવક્તા નીરજ કુમારે તેજસ્વી પર બે મતદાર ઓળખપત્ર હોવાનો આરોપ લગાવ્યો અને તેને ચૂંટણી કૌભાંડ ગણાવ્યું. ચૌધરીએ કહ્યું, પ્રેસ કોન્ફરન્સમાં તેજસ્વીએ જે સત્ય બતાવ્યું છે તે સ્પષ્ટપણે દર્શાવે છે કે તેમણે એક મોટું કૌભાંડ કર્યું છે. આની કડક તપાસ થવી જોઈએ. જેડીયુ નેતા નીરજ કુમારે IPC ની કલમ ૧૭૧F હેઠળ કેસ નોંધવાની અને તેજસ્વીના મતદાન અધિકારને હંગામી ધોરણે સસ્પેન્ડ કરવાની માંગ કરી છે.