ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશને રીપોર્ટમાં આપી જાણકારી
(સંપૂર્ણ સમાચાર સેવા)
દક્ષિણ કોરિયા અને અઝરબૈજાનના પેસેન્જર પ્લેન ક્રેશ થવાની ઘટનાએ સમગ્ર વિશ્વને હચમચાવી મૂક્યું છે. દુનિયામાં ૨૪ કલાકમાં ત્રણ દેશોમાં વિમાન દુર્ઘટનાની ત્રણ ઘટના બની, જેમાં દક્ષિણ કોરિયામાં ૧૭૯ લોકોનાં મોત નીપજ્યાં જ્યારે કેનેડા અને નોર્વેમાં વિમાન અકસ્માતોમાં પ્રવાસીઓનો ચમત્કારિક બચાવ થયો હતો. દક્ષિણ કોરિયામાં સવારે ૧૮૧ લોકોને લઈને જઈ રહેલું જેજુ એરનું બોઈંગ ૭૩૭-૮૦૦ વિમાન મુઆન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર લેન્ડિંગ કરતી વખતે આગળના લેન્ડિંગ ગીયરમાં ખામીના કારણે રનવે પર લપસી જતાં એક દિવાલ સાથે અથડાતા અગનગોળામાં ફેરવાઈ ગયું હતું. આ દુર્ઘનામાં ૧૭૯ લોકોના મોત થઈ છે. ક્યારેક પક્ષીઓ ટકરાવાથી તો ક્યારેક ટેક્નિકલ ખામી અથવા તો ખરાબ હવામાનના કારણે વિશ્વભરમાં વિમાન દુર્ઘટના સર્જાતી રહે છે. ત્યારે એવિએશન સેફ્ટીના આકંડા પ્રમાણે ૭ વર્ષમાં ૮૧૩ વિમાન દુર્ઘટનામાં ૧૪૭૩ લોકોના મોત નિપજ્યા છે.
વિમાન દુર્ઘટના પર નજર રાખનારી સંસ્થા એવિએશન સેફ્ટીના રિપોર્ટ પ્રમાણે ૨૦૨૩માં દુનિયાભરમાં ૧૦૯ વિમાન દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં ૧૨૦ લોકોના મોત થયા હતા. આ હિસાબે દર મહિને સરેરાશ ૯ વિમાન દુર્ઘટના થઈ જેમાં ૧૦ લોકોના મોત થયા છે. એવિએશન સેફ્ટીના જણાવ્યા પ્રમાણે ગત વર્ષે સૌથી વધુ ૩૪ વિમાન દુર્ઘટના અમેરિકામાં સર્જાઈ હતી.
એવિએશન સેફ્ટીના આંકડા પ્રમાણે ૨૦૧૭થી ૨૦૨૩ વચ્ચે વિશ્વભરમાં ૮૧૩ પ્લેન ક્રેશ થઈ ચૂક્યા છે. પ્લેન ક્રેશની ૮૧૩ ઘટનાઓમાં ૧,૪૭૩ મુસાફરોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મોટાભાગની વિમાન દુર્ઘટનાઓ લેન્ડિંગ દરમિયાન થાય છે. આ સાત વર્ષમાં લેન્ડિંગ દરમિયાન ૨૬૧ દુર્ઘટના સર્જાઈ છે. ત્યારબાદ ઉડાન દરમિયાન જ ૨૧૨ દુર્ઘટના તો ઘટી છે. આ દરમિયાન ભારતમાં ૧૪ દુર્ઘટના સર્જાઈ છે.
એવિએશન સેફ્ટીએ જણાવ્યું કે, મોટાભાગની વિમાન દુર્ઘટના ટેક-ઓફ દરમિયાન અને પછી લેન્ડિંગ દરમિયાન થાય છે. ગત વર્ષે આવી ૧૦૯ દુર્ઘટના થઈ હતી, જેમાંથી ૩૭ ટેકઓફ દરમિયાન અને ૩૦ લેન્ડિંગ દરમિયાન સર્જાઈ હતી. વિશ્વભરમાં દર વર્ષે સેંકડો વિમાન દુર્ઘટના સર્જાવા છતાં હવાઈ મુસાફરીને સૌથી સુરક્ષિત માનવામાં આવે છે.
આંકડાઓ પર નજર કરીએ તો છેલ્લા ૭ વર્ષમાં દર વર્ષે સરેરાશ ૨૦૦ વિમાન દુર્ઘટના ઘટી છે. અને માત્ર એક વર્ષમાં જ સેંકડોથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. પરંતુ તેમ છતાં પણ હવાઈ મુસાફરીને સૌથી સુરક્ષિત માનવામાં આવે છે. ફ્લોરિડાની એમ્બ્રી-રિડલ એરોનોટિકલ યુનિવર્સિટીના પ્રોફેસર એન્થોની બ્રિકહાઉસે જણાવ્યું હતું કે, હવાઈ મુસાફરી એ ટ્રાન્સપોર્ટેશનનું સૌથી સુરક્ષિત માધ્યમ છે. તેમણે કહ્યું કે, ૩૮ હજાર ફૂટની ઊંચાઈએ ઉડવું એ જમીન પર ડ્રાઈવિંગ કરવા કરતાં વધુ સુરક્ષિત છે.
ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશનના રિપોર્ટ પ્રમાણે ૨૦૨૩માં વિશ્વભરમાં ૩.૭ કરોડથી વધુ વિમાનોએ ઉડાન ભરી હતી. તેમ છતાં કેટલીક જ દુર્ઘટનામાં લોકોએ જીવ ગુમાવ્યો છે. ગત વર્ષે નેપાળમાં એક વિમાન ક્રેશ થઈ ગયુ હતું, જેમાં ૭૨ લોકોના મોત થઈ ગયા હતા. તમને જણાવી દઈએ કે, IATA દર વર્ષે ફ્લાઈટ સેફ્ટી પર રિપોર્ટ જારી કરે છે. જેના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, જ્યારે ૧૨.૬ લાખ વિમન ઉડાન ભરે છે ત્યારે એક દુર્ઘટના ઘટે છે. IATA નો દાવો છે કે, કોઈ વ્યક્તિ ૧,૦૩,૨૩૯ વર્ષ સુધી દરરોજ વિમાનમાં મુસાફરી કરશે, ત્યારે કોઈ એક દિવસ એવો આવશે જ્યારે તેણે ઘાતક દુર્ઘટાનાનો સામનો કરવો પડશે.
થોડા વર્ષો પહેલા મેસાચુએટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના પ્રોફેસર આર્નોલ્ડ બાર્નેટે પણ ફ્લાઇટ સેફ્ટી પર એક રિપોર્ટ કર્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, જો ૨૦૧૮થી ૨૦૨૨ની વચ્ચે જાે ૧.૩૪ કરોડ મુસાફરોએ હવાઈ મુસાફરી કરી તો તેમાંથી માત્ર ૧ને જ મોતનો ખતરો છે.