Last Updated on by Sampurna Samachar
અલગ અલગ સ્નેહમિલન કાર્યક્રમ યોજાતા કોંગ્રેસમાં ફાટ પડ્યાની ચર્ચા
રાજ્યમાં વિપક્ષની સ્થિતિને વધુ નબળી પાડી શકે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાત કોંગ્રેસમાં ફરી એકવાર આંતરિક ફાટ પડી હોવાની માહિતી મળી છે. જે આ ઘટનાને કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. એક બાજુ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોંગ્રેસ ડૂબી રહી છે, ત્યારે પ્રદેશ કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અમિત ચાવડા અને પૂર્વ પ્રમુખ તથા સાંસદ શક્તિસિંહ ગોહિલ દ્વારા અલગ-અલગ તારીખે સ્નેહ મિલન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતા અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે.

આ બંને નેતાઓએ કોંગ્રેસ કાર્યાલય ખાતે જ જુદા-જુદા કાર્યક્રમો યોજતા, પક્ષ ફરીથી બે જૂથમાં વહેંચાયેલો જોવા મળ્યો હોય એવું લાગી રહ્યું છે. વર્તમાન પ્રમુખ અમિત ચાવડાએ ૨૫મી તારીખના રોજ કોંગ્રેસ કાર્યાલય ખાતે પોતાના સમર્થકો સાથે સ્નેહ મિલનનું આયોજન કર્યું હતું. જ્યારે પૂર્વ પ્રમુખ અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે ત્યારબાદ ૨૯મી તારીખે કોંગ્રેસ કાર્યાલયમાં જ પોતાના સમર્થકો માટે સ્નેહ મિલન યોજ્યું હતું.
પક્ષમાં સંપૂર્ણ એકતાનો અભાવ જોવા મળ્યો
બંને નેતાઓએ યોજેલા આ અલગ-અલગ કાર્યક્રમોમાં પોતપોતાના સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ઘટના પરથી સ્પષ્ટ સંકેત મળે છે કે, ગુજરાત કોંગ્રેસમાં સંગઠન સ્તરે હજુ પણ જૂથવાદ યથાવત છે અને પક્ષમાં સંપૂર્ણ એકતાનો અભાવ જોવા મળી રહ્યો છે. પ્રમુખપદે એક જ વ્યક્તિ હોવા છતાં, પક્ષના મુખ્ય કાર્યાલયમાં જ અલગ-અલગ કાર્યક્રમોનું આયોજન થવું એ રાજ્યમાં વિપક્ષની સ્થિતિને વધુ નબળી પાડી શકે છે.
 
				 
								