Last Updated on by Sampurna Samachar
બોમ્બે હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો
ઉદ્યોગપતિએ ઘટના માટે ફરિયાદીની માંગી હતી માફી
(સંપૂર્ણ સમાચાર સેવા)
બોમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ બેન્ચે લાતુરના એક ઉદ્યોગપતિ સામે નોંધાયેલી ફરિયાદ રદ કરી હતી. બોમ્બે હાઈકોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, બારમાં દારૂ પીધેલી હાલતમાં થયેલી બોલાચાલી દરમિયાન સામાજિક-રાજકીય નેતા સાથે દુર્વ્યવહાર કરવો એ ભારતીય દંડ સંહિતાની કલમ ૨૯૫ A અથવા ૫૦૪ હેઠળ ગુનો નથી. આ ઉપરાંત હાઈકોર્ટે અવલોકન કર્યું હતું કે સામાજિક-રાજકીય મહાનુભવ માટે કોઈ પણ દુર્વ્યવહાર અથવા અપમાનજનક શબ્દોનો ઉપયોગ કોઈ ધર્મના અપમાન સમાન ન હોઈ શકે.

ભારતીય દંડ સંહિતાની કલમ ૨૯૫છ એવા કેસોમાં લાગુ પડે છે, જ્યાં કોઈપણ સમુદાયની ધાર્મિક લાગણીઓને જાણી જોઈને અને દ્વેષપૂર્ણ રીતે ઠેસ પહોંચાડવામાં આવી હોય. બીજી તરફ કલમ ૫૦૪ એવી પરિસ્થિતિઓનો સામનો કરે છે જ્યાં કોઈ વ્યક્તિ ઈરાદાપૂર્વક અન્ય વ્યક્તિનું અપમાન કરે છે જેથી તે અન્ય વ્યક્તિને ગુનો કરવા માટે ઉશ્કેરે અથવા જાહેર શાંતિનો ભંગ કરે.
આ શબ્દોથી મરાઠા સમુદાયની ધાર્મિક લાગણીઓ દુભાઇ
અહેવાલો અનુસાર, આ કેસ ૧૨મી ડિસેમ્બર ૨૦૨૩ના રોજ કિલારીના કિનારા બારમાં બનેલી ઘટના પર છે. લાતુરના ઔસા તાલુકાના એક વેપારી પર દારૂ પીધેલી હાલતમાં વેઈટર સાથે ગેરવર્તન કરવાનો અને મરાઠા અનામત આંદોલન સાથે સંકળાયેલા કાર્યકર મનોજ જરાંગે વિશે વાંધાજનક ટિપ્પણી કરવાનો આરોપ છે.
ફરિયાદીએ દાવો કર્યો હતો કે આ શબ્દોથી મરાઠા સમુદાયની ધાર્મિક લાગણીઓ દુભાય છે. તેમણે ઘટનાનું મોબાઇલ રેકોર્ડિંગ પણ રજૂ કર્યું. ત્યારબાદ પોલીસે કિલારી પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ ૨૯૫ અને ૫૦૪ (શાંતિનો ભંગ કરવાના ઇરાદાથી ઇરાદાપૂર્વક અપમાન) હેઠળ કેસ નોંધ્યો હતો.
ઉદ્યોગપતિનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ આઈડી મણિયારે કોર્ટમાં દલીલ કરી હતી કે કથિત ટિપ્પણી કોઈ ધર્મ કે ધાર્મિક માન્યતા પર નહીં, પરંતુ એક વ્યક્તિ પર હતી. તેથી તે આઈપીસીની કલમ ૨૯૫ A ની જરૂરિયાતોને પૂર્ણ કરતી નથી. તેમણે એ પણ ભાર મૂક્યો કે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો કોઈ ઇરાદાપૂર્વક અને દુર્ભાવનાપૂર્ણ ઇરાદો નહોતો.
ન્યાયાધીશ વિભા કાંકનવાડી અને હિતેન એસ. વેણેગાંવકરની બેન્ચે જણાવ્યું હતું કે, સામાજિક-રાજકીય વ્યક્તિત્વ સામે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવો, ભલે તે કોઈ સમુદાયના સમર્થક માનવામાં આવે, તેને ધર્મ પાળવા સાથે સરખાવી શકાય નહીં. આ ઘટના બાર અને રેસ્ટોરન્ટમાં દારૂ પીધા પછી થયેલા વિવાદ દરમિયાન બની હતી અને FIR માં જ જણાવાયું છે કે ઉદ્યોગપતિએ કથિત ઘટના માટે ફરિયાદીની તાત્કાલિક માફી માંગી હતી.