Last Updated on by Sampurna Samachar
મિત્રોએ ભેગાં મળી ચાકુ વડે બીજા મિત્રને મોતને ઘાટ ઉતારી દીધો
(સંપૂર્ણ સમાચાર સેવા)
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ઈન્ટરનેટ કેટલીકવાર જીવલેણ પણ સાબિત થઇ જાય છે. જેનુ એક ઉદાહરણ આપતો કિસ્સો મહારાષ્ટ્રમાં પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક સગીરને ઈંસ્ટાગ્રામ સ્ટોરીને લીધે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે.
ઘટનાની વિગત એવી છે કે મહારાષ્ટ્રના વર્ધા જિલ્લાના હિંગણઘાટ વિસ્તારના પિંપલગાંવમાં કેટલાક મિત્રો વચ્ચે ઇંસ્ટાગ્રામ સ્ટોરીને લઈને વિવાદ પેદા થયો હતો. આ વિવાદ એ હદે વકર્યો કે મિત્રોએ ૧૭ વર્ષીય કિશોરની હત્યા કરી દીધી હતી.
પ્રાથમિક માહિતી પ્રમાણે, લગભગ એક મહિના પહેલા પીડિત ૧૭ વર્ષીય હિમાંશુ ચિમનીએ આરોપી માનવ જુમના કેની સાથે ઈંસ્ટાગ્રામ પર સ્ટોરી અપલોડ કરી હતી. તેમણે સ્ટોરી પર વોટ માંગ્યા હતા. ૧૭ વર્ષીય હિમાંશુને આરોપી કરતા વધુ વોટ મળ્યા હતા, જેના કારણે બંને વચ્ચે ઝઘડો થઈ ગયો હતો. બંનેએ આ મુદ્દા પર વાતચીત કરવા માટે મળવાનું નકકી કર્યુ હતું.
બંને વચ્ચે વાતચીત દરમિયાન તકરાર વધતાં હિમાંશુ પર તેના મિત્રોએ ચાકુ વડે હુમલો કરતાં દીધો, અને ઘટનાસ્થળે જ હિમાંશુનું મોત નીપજ્યું હતું. પોલીસે ઘટનાસ્થળે પહોંચી આરોપીઓની ધરપકડ કરી ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, સોશ્યલ મીડિયાને લઈને આવી હિંસક ઘટના પહેલાં પણ સામે આવી ચુકી છે. આ પહેલા જુલાઇ ૨૦૨૪ માં એક ૧૫ વર્ષીય કિશોરે કથિત રીતે સોશિયલ મીડિયા પર એક છોકરીની સાથે ચેટિંગને લઈને ગુરુગ્રામમાં એક ૧૬ વર્ષીય કિશોરની હત્યા કરી દીધી હતી.