Last Updated on by Sampurna Samachar
ભારતની દરિયાઈ સરહદોની સુરક્ષા વધુ મજબૂત બની
ભારતીય નૌકાદળમાં INS માહે આખરે સામેલ થયું
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય નૌકાદળની એન્ટી-સબમરીન વોરફેર ક્ષમતામાં નોંધપાત્ર વધારો થયો છે. એન્ટી-સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટના પહેલા યુદ્ધ જહાજ INS માહેને કાફલામાં સામેલ કરવામાં આવ્યું છે. મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતે આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીની હાજરીમાં INS માહેનું કમિશનિંગ થયું હતું.

INS માહે માહે-ક્લાસનું પહેલું યુદ્ધ જહાજ છે અને તેને દુશ્મન સબમરીન સામેનું સાયલન્ટ હન્ટર અને રક્ષણ માનવામાં આવે છે. આ પ્રોજેક્ટ ભારતીય નૌકાદળની આર્ત્મનિભરતાની નીતિનું ઉત્તમ ઉદાહરણ છે. INS માહે ૮૦ ટકાથી વધુ સ્વદેશી સામગ્રીથી તૈયાર કરવામાં આવ્યું છે, જે જહાજની ડિઝાઇન, બાંધકામ અને એકીકરણમાં ભારતની વધતી જતી કુશળતા દર્શાવે છે. આ યુદ્ધ જહાજનું નિર્માણ કોચીન શિપયાર્ડ ખાતે કરવામાં આવ્યું છે.
INS માહે આધુનિક સોનાર સિસ્ટમથી સજ્જ
૭૮-મીટર લાંબુ આ ફ્રિગેટ ભારતીય નૌકાદળની પશ્ચિમી દરિયાકિનારે સાયલન્ટ હન્ટર તરીકે સેવા આપશે. INS માહે આધુનિક સોનાર સિસ્ટમથી સજ્જ છે. તે દુશ્મન સબમરીનને ટ્રેક કરવા અને નાશ કરવામાં સક્ષમ છે. આ જહાજ મુખ્યત્વે છીછરા પાણીમાં દુશ્મન સબમરીનને શોધવા, દેખરેખ રાખવા અને હુમલો કરવા માટે રચાયેલું છે. તે એક સાથે અનેક મિશન પાર પાડવાની ક્ષમતા ધરાવે છે. નોંધનીય છે કે, INS માહેનો કાફલામાં સમાવેશ થવાથી ભારતની દરિયાઈ સરહદોની સુરક્ષા વધુ મજબૂત બની છે.