Last Updated on by Sampurna Samachar
અકસ્માતમાં દીકરી ગુમાવનાર પિતાએ CJI ને લખ્યો પત્ર
આરોપીને કડક સજા મળે તે માંગણી પત્રમાં કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજકોટ શહેર પોલીસ ફરી વિવાદમાં આવી હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ પર સાત નવેમ્બરે એક ગોઝારો અકસ્માત થયો હતો. જેમાં ૧૫ વર્ષીય ધ્રુવી કોટેચાનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે દીકરીની માતા ઇજાગ્રસ્ત થયા હતા.

સંબંધીને ત્યાં જમણવાર રાખ્યો હોવાથી માતા દર્શનાબેન ધ્રુવીને લેવા માટે સ્કૂલે ગયા હતા. ત્યારે સ્કૂલેથી આમ્રપાલી તરફ પરત ફરતા હતા તે દરમિયાન સ્કૂલથી થોડી દૂર માતા-પુત્રીને એક કારચાલક મહિલા દ્વારા અડફેટે લીધા હતા. આ કેસમાં મહિલા આરોપીની અટકાયત કરીને કોર્ટમાં રજૂ કરીને જામીન મુક્ત કરાયા છે. આ કાર્યવાહીથી નારાજ પિતા દેવાંગભાઈ કોટેચાએ સી.જે.આઇને પત્ર લખ્યો છે. પોતાની મૃતક દીકરીને ન્યાય મળે અને આરોપીને કડક સજા મળે તે માંગણી પત્રમાં કરી છે.
ઇજાગ્રસ્ત મહિલાને નવ ફ્રેકચર થયા
આ અંગે પિતા દેવાંગ કોટેચાએ જણાવ્યું છે કે, “મારી દીકરી ધ્રુવી અને પત્ની દર્શના કોટેચા શાળામાંથી ઘરે આવી રહ્યા હતા. તે દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે એક કાર આવી હતી અને તેમને અથાડ્યા બાદ તેમની ઉપરથી એ કાર જતી રહી હતી. જે બાદ આઠથી દસ ફૂટે કારને બ્રેક મારી હતી. મારી દીકરીનું મૃત્યુ થયું છે અને મારી પત્નીને ઓછામાં ઓછા નવ ફ્રેક્ચર છે.
એ કેટલા સમય પછી ઊભી થશે તે પણ મને ખ્યાલ નથી. આમાં જે આરોપી છે તેને તરત જ જામીન મળી ગયા છે. હું પોલીસને અપીલ કરું છું કે, આમાં તટસ્થ તપાસ કરીને ન્યાય અપાવો. જે પણ કાયદાકીય કલમો લાગતી હોય તે બધી લગાવો અને અમને ન્યાય અપાવો.”
નારાજ પિતાએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, મહિલા આરોપીને લાભ અપાવવા જામીન મળ્યા બાદ પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે. પોલીસે હિટ એન્ડ રનના બદલે તાત્કાલિક જામીન મળે તેવી હળવી કલમો લગાવી છે. પીડિત દેવાંગભાઈ કોટેચાએ પોતાની મૃતક દીકરીને ન્યાય મળે અને આરોપીને કડક સજા મળે તે માંગણી પત્રમાં કરી છે.
માતા દર્શનાબેનની ઈચ્છા હતી કે, એકની એક દીકરી ધ્રુવીને દુલ્હનની જેમ શણગારવામાં આવે. તેમજ લગ્ન થતાં સમયે દીકરીના પગલાં તેમજ હાથની થાપણ કપડામાં લેવામાં આવતી હોય છે એ મુજબ જ તમામ રીતિ-રિવાજો નિભાવવામાં આવે. માતાની ઈચ્છાને ધ્યાને રાખીને દીકરી ધ્રુવીના પગલાં તેમજ હાથના થાપણ કાપડમાં લેવામાં આવ્યા હતા.
દીકરીના પગલાં તેમજ હાથના થાપણ કાયમી પરિવાર માટે સંભારણા સ્વરૂપ બની રહે તે રીતે તેને સાચવવામાં આવશે. દીકરીને દુલ્હનની સજાવીને તેના અંતિમ સંસ્કાર કરવામાં આવે. આ સાથે પ્રોફેશનલ કેમેરા પર્સનને બોલાવીને વીડિયો શૂટિંગ પણ કરવામાં આવ્યું હતું.