Last Updated on by Sampurna Samachar
એક સગીર સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી
આરોપીઓનો ઉઘાડા પગે વરઘોડો કાઢવામાં આવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરતના મોટા વરાછામાં રિક્ષાચાલકને લૂંટી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર અર્જુન અને વિજય ભોજવીયાનો પોલીસે વરઘોડો કાઢ્યો હતો. આરોપીઓએ જાહેરમાં માફી માંગી છે.

ડાયમંડ સિટી સુરતમાં રિક્ષાચાલકને નિશાન બનાવી લૂંટ ચલાવ્યા બાદ તેની સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરનારા નરાધમોને પોલીસ દ્વારા કાયદાના પાઠ ભણાવવામાં આવ્યા છે. ઉત્રાણ પોલીસ દ્વારા આ જઘન્ય અપરાધ કરનારા આરોપીઓનું મોટા વરાછા વિસ્તારમાં જાહેરમાં રી-કન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું અને ઉઘાડા પગે તેમનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો.
રહીશોમાં પોલીસની કામગીરી પ્રત્યે સંતોષ જોવા મળ્યો
આરોપીઓએ થોડા દિવસો પહેલા આરોપી અર્જુન ભોજવીયા અને વિજય ભોજવીયાએ એક નિર્દોષ ઓટો રિક્ષાચાલકને અવાવરુ જગ્યાએ આંતરી તેની પાસેથી લૂંટ ચલાવી હતી. લૂંટ કર્યા બાદ પણ સંતોષ ન માનતા, આ નરાધમોએ રિક્ષાચાલક સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરી માનવતા લજવી હતી. આ મામલે ઉત્રાણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરી એક સગીર સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી હતી.
પોલીસ દ્વારા મુખ્ય આરોપી અર્જુન અને વિજયને ઘટના સ્થળે લઈ જઈ રી-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. પોલીસની કડક કાર્યવાહી જોઈને આરોપીઓનો અહંકાર ઓગળી ગયો હતો. જાહેરમાં વરઘોડો નીકળતા બંને આરોપીઓ રસ્તા પર બે હાથ જાેડીને દયાની ભીખ માંગતા અને માફી માંગતા જાેવા મળ્યા હતા. તેઓએ કબૂલાત કરી હતી કે હવે પછી આવું કૃત્ય ક્યારેય નહીં કરે.
પોલીસે આરોપીઓને ઉઘાડા પગે ચાલાવીને ઘટનાનું પુનરાવર્તન કરાવ્યું હતું. આ દ્રશ્યો જોઈ સ્થાનિક રહીશોમાં પણ પોલીસની કામગીરી પ્રત્યે સંતોષ જોવા મળ્યો હતો. સુરત પોલીસે આ કાર્યવાહી દ્વારા ગુનેગારોમાં ફફડાટ પેદા કરી દીધો છે.