Last Updated on by Sampurna Samachar
લવ મેરેજનું મન દુ:ખ રાખીને સસરા અને સાળાએ માર્યો માર
મકાન પર લોખંડનો પાઇપ ફટકારી નુકસાન પહોંચાડ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
જામનગરમાં બેડેશ્વર નજીક ગરીબ નગરમાં રહેતા ફરીદ મામદભાઈ બુચડ નામના ૩૨ વર્ષના યુવાને પોતાના ઉપર તેમજ પોતાની પત્ની મરજીનાબેન ઉપર તેમજ પોતાની બહેન નશીમબેન ઉપર ટોમી લોખંડના પાઇપ અને પથ્થર વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે પોતાના સસરા અબ્દુલ શરીફ ભાઈ કકકલ, ફારૂક ચાવડા, સાળા અકરમ ઉર્ફે જહાંગીર, અબ્દુલ શરીફ ચૌહાણ અને જાહિદ અબ્દુલ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદ ફરીદભાઈએ આજથી દોઢ વર્ષ પહેલા આરોપી અબ્દુલ શરીફની પુત્રી સાથે લવ મેરેજ કરી લીધા હતા, જેનું મન દુ:ખ રાખીને સસરા અને સાળા વગેરેએ સૌપ્રથમ ટોમી અને છરી વડે ફરિયાદી યુવાન પર હુમલો કરી દીધો હતો.
સિટી B ડિવિઝન પોલીસે સમગ્ર મામલે તપાસના ચક્રો ગતિમાન કર્યા
ત્યારબાદ પ્રેમ લગ્ન કરી લેનાર મરજીનાબેન ઘરની બહાર મદદ માટે આવતાં તેણીના પેટ ઉપર પથ્થર મારી ઇજા પહોંચાડી હતી, ઉપરાંત ફરિયાદી ફરીદભાઈ બુચડની બહેન નશીમબેનને પણ માર માર્યો હતો, અને મકાન પર લોખંડનો પાઇપ ફટકારી નુકસાની પહોંચાડી હતી. જે બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતાં સિટી B. ડિવિઝન પોલીસે સમગ્ર મામલે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.