Last Updated on by Sampurna Samachar
UP ના ઘાયલ ભાજપના કાર્યકર્તા સિયારામ ઉપાધ્યાયનું મોત
દોષિત પોલીસકર્મીઓ વિરુદ્ધ હત્યાનો કેસ ચલાવવા માંગ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશના ગાજીપુર જિલ્લાના નોનહરા વિસ્તારમાં પોલીસના લાઠીચાર્જ દરમિયાન ઘાયલ થયેલા ભાજપના કાર્યકર્તા સિયારામ ઉપાધ્યાયનું મોત થઈ ગયું હોવાના સમાચાર સામે આવ્યા છે. આ ઘટનાએ સ્થાનિક ગ્રામીણો અને ભાજપ કાર્યકર્તાઓમાં ગુસ્સાની લહેર ફેલાઈ ગઈ છે. મૃતકના પરિવાર અને સમર્થકોએ દોષિત પોલીસકર્મીઓ વિરુદ્ધ હત્યાનો કેસ ચલાવવા અને કડક કાર્યવાહીની માંગ કરી છે.
૯ સપ્ટેમ્બરની રાતે નોનહરા વિસ્તારમાં ભાજપના કાર્યકર્તા પોતાની વિવિધ માગણીને લઈને શાંતિપૂર્ણ રીતે ધરણાં કરી રહ્યા હતા. આરોપ છે કે અડધી રાતે પોલીસે લાઈટ બંધ કરી દીધી અને પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ શરુ કરી દીધો. આ દરમિયાન કેટલાય કાર્યકર્તાઓ ઘાયલ થઈ ગયા, જેમાં સિયારામ ઉપાધ્યાય પણ સામેલ હતા. સિયારામ, જે શારીરિક રીતે દિવ્યાંગ હતા, લાઠીચાર્જ દરમિયાન તે ભાગી શક્યા નહીં અને જમીન પર પડી ગયા. આરોપ છે કે પોલીસે તેમને બરાબરના માર્યા.
દોષિતો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે
સિયારામ જેમ તેમ કરીને પોતાના ઘરે પહોંચ્યો, જ્યાં તેની સારવાર ચાલી રહી હતી, પણ ત્યારબાદ તેની હાલત ખરાબ થઈ ગઈ અને તેનું મોત થઈ ગયું. તેના મોતના સમાચાર ફેલાતા જ ગામ રુકુંદીપુરમાં ભાજપના કાર્યકર્તાઓ અને ગામ લોકોની ભીડ એકઠી થઈ.
લાઠીચાર્જની ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં પોલીસકર્મીઓને પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કરતા જોઈ શકાય છે. આ વીડિયોએ આ કેસને વધારે ગંભીર બનાવી દીધો છે. સ્થાનિક લોકો અને ભાજપ કાર્યકર્તા તેને પોલીસની બર્બરતાનો પૂરાવો માની રહ્યા છે. ગાજીપુરના પોલીસ અધ્યક્ષ ઈરજ રાજાએ આ મામલે સ્પષ્ટતા આપી છે.
તેમનું કહેવું છે કે ૯ સપ્ટેમ્બરના રોજ બે પક્ષોની વચ્ચે વિવાદ બાદ એક પક્ષના લોકો પોલીસ સ્ટેશનમાં ધરણા પર બેસી ગયા હતા. આ દરમિયાન લાઈટ જતી રહેતા અફરા તફરી મચી ગઈ હતી. ધરણા આપી રહેલા લોકો ત્યાંથી નીકળી ગયા. એસપીએ દાવો કર્યો કે, આ મામલે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે અને દોષિતો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.