Last Updated on by Sampurna Samachar
આ કાયદો બનશે ત્યારે ઇમિગ્રેશનને લગતા અગાઉના ચાર કાયદા નાબૂદ થઇ જશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
સરકાર માન્ય પાસપોર્ટ અને વિઝા વિના ભારતમાં ગેરકાયદે ઘૂસણખોરી કરનાર વિદેશી નાગરિકને પાંચ વર્ષની આકરી કેદની સજા અને રૂ. ૫ લાખનો દંડ ફટકારવામાં આવશે. તદઉપરાંત નકલી પાસપોર્ટ અને નકલી દસ્તાવેજોની મદદથી ભારતમાં પ્રવેશનાર કે લાંબો સમય રોકાણ કરનાર વિદેશીને બે વર્ષ કરતા ઓછી નહી એવી મુદતની જેલની સજા થશે જે વધીને સાત વર્ષ સુધીની થઇ શકે છે.
ઉપરાંત આવા વિદેશીઓને રૂ. ૧ લાખથી લઇને મહત્તમ રૂ. ૧૦ લાખ સુધીનો દંડ ફટકારવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા સંસદના ચાલુ સત્રમાં રજૂ થનારા ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ બિલ-૨૦૨૫માં આ મુજબની જોગવાઇઓ કરવામાં આવી છે. આ કાયદો બનશે ત્યારે ઇમિગ્રેશનને લગતા અગાઉના ચાર કાયદા નાબૂદ થઇ જશે. કેમ કે તેમાં ગેરકાયદે દેશમાં ઘૂસણખોરી કરનારા વિદેશીઓ માટે જુદા જુદા વિષયો માટે ઓછી સજા અને ઓછા દંડની જોગવાઇઓ કરાઇ હતી. અગાઉના ચારે ચાર કાયદાઓની અને અમલમાં આવનાર નવા કાયદાની તમામ જોગવાઇઓને સંકલિત કરીને એક નવો કાયદો અમલમાં આવશે.
નવો કાયદો અમલમાં આવવાથી રદ થનારા ચાર કાયદાઓમાં ફોરેનર્સ એક્ટ-૧૯૪૬, પાસપોર્ટ (ભારતમાં પ્રવેશ) એક્ટ-૧૯૨૦, રજિસ્ટ્રેશન ઓફ ફોરેનર્સ એક્ટ-૧૯૩૯ અને ઇમિગ્રેશન એક્ટ-૨૦૦૦નો સમાવેશ થાય છે. હાલના કાયદા મુજબ પાસપોર્ટ, વીઝા અને મુસાફરીને લગતાં અન્ય દસ્તાવેજો વિના ભારતમાં ગેરકાયદે ઘૂસણખોરી કરનારા વિદેશી માટે પાંચ વર્ષની જેલની સજા અને દંડની જોગવાઇ કરેલી છે, જ્યારે નકલી પાસપોર્ટ અને નકલી દસ્તાવેજો સાથે ભારતમાં ઘૂસણખોરી કરનાર વિદેશી માટે મહત્તમ આઠ વર્ષની જેલની સજા અને રૂ. ૫૦,૦૦૦ના દંડની જોગવાઇ કરેલી છે.
અમલમાં આવનારા નવા કાયદામાં તમામ કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ અને યુનિવર્સિટિઓને તેઓને ત્યાં ઉચ્ચ અભ્યાસ માટે પ્રવેશ લેનારા વિદેશી વિદ્યાર્થીઓની તમામ વિગતો સરકારને પૂરી પાડવા માટે જવાબદાર બનાવવામાં આવી છે.