કચ્છમાંથી નકલી ED અધિકારીની ટીમની અસલી તપાસ
આ મામલે ગોપાલ ઈટાલિયાનો કટાક્ષ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતમાં નકલી જજ, કોર્ટ, પોલીસ, PMO અધિકારી સહિત નકલીની ભરમાર વચ્ચે કચ્છમાંથી નકલી એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટ (ED) અધિકારીની ટીમ ઝડપાઈ છે. આ નકલી ED ની ટીમ મોટા વેપારી અને ઉદ્યોગપતિઓને ધમકાવી તોડ કરતા હોવાની જાણકારી મળી છે.
ઉલ્લેખનીય છે કે પૂર્વ કચ્છ LCB અને એ ડિવિઝન દ્વારા નકલી ED ની ગેંગના આઠથી વધુ શખસોને ઝડપી પાડ્યા હોવાના જાણકારી મળી રહી છે. કચ્છના ગાંધીધામ સહિતના વિસ્તારોમાં ED ના નકલી અધિકારીઓ વેપારીઓ અને ઉદ્યોગપતિઓને શિકાર બનાવતા હતા.
સમગ્ર મામલે પૂર્વ કચ્છ પોલીસને જાણ થઈ હતી. જેમાં LCB એ અમદાવાદ, ભુજ અને ગાંધીધામ સહિતના આઠથી વધુ શખસોને ઝડપી પાડ્યા હોવાની જાણકારી મળી છે. જો કે, પોલીસ દ્વારા આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી. જ્યારે રાજ્યમાં ED ના નકલી અધિકારીઓની ગેંગ ઝડપાતાં આપના ગોપાલ ઈટાલિયાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, ‘મને તો આજ અસલી લાગે છે, કમસે કમ આ લોકોએ તો ગુજરાતમાં દરોડા પાડવાની હિંમત કરી.’