ઇન્દોરના જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય
(સંપૂર્ણ સમાચાર સેવા)
મધ્યપ્રદેશના ઈન્દોર શહેરમાં વહીવટીતંત્ર દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. શહેરના એક ટોચના અધિકારીએ માહિતી આપી હતી કે ૧ જાન્યુઆરી, ૨૦૨૫થી ઈન્દોરમાં ભિખારીઓને ભીખ આપનારા લોકો સામે પણ FIR દાખલ કરવામાં આવશે. ઇન્દોરને ભિખારીથી મુક્ત કરવાના લક્ષ્યને હાંસલ કરવાના તેના પ્રયાસોના ભાગરૂપે વહીવટીતંત્રે આ ર્નિણય લીધો છે.
૧ જાન્યુઆરીથી ઈન્દોર શહેરમાં ભીખ આપનારા લોકો સામે પણ FIR દાખલ કરવામાં આવશે. ઇન્દોરના જિલ્લા મેજિસ્ટ્રેટ આશિષ સિંહે જણાવ્યું હતું કે, “ભીખ માંગવા સામે અમારું જાગૃતિ અભિયાન આ મહિનાના અંત સુધી શહેરમાં ચાલશે. ૧ જાન્યુઆરીથી, જો કોઈ વ્યક્તિ ભીખ આપતો જોવા મળશે, તો તેની સામે પણ FIR દાખલ કરવામાં આવશે.”
ઇન્દોરના જિલ્લા મેજિસ્ટ્રેટ આશિષ સિંહે કહ્યું છે કે વહીવટીતંત્રએ શહેરમાં ભીખ માંગવા પર પ્રતિબંધ મૂકતો આદેશ પહેલેથી જ જારી કરી દીધો છે. તેમણે કહ્યું, “હું ઇન્દોરના તમામ લોકોને અપીલ કરું છું કે તેઓ લોકોને ભીખ આપવાના પાપમાં ભાગીદાર ન બને.”
ઇન્દોરના જિલ્લા મેજિસ્ટ્રેટે કહ્યું છે કે વહીવટીતંત્રે ભીખ માંગવામાં સામેલ ઘણા લોકોનું પુનર્વસન કર્યું છે. કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ અંતર્ગત દેશના ૧૦ શહેરોને ભિખારી મુક્ત બનાવવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. આમાં ઈન્દોરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.